દર 3 વર્ષે નિયમ મુજબ વધવા પાત્ર સ્ટાઈપેન્ડની માંગ સાથે સુરત સિવિલ હોસ્પિટલના તમામ રેસિડેન્ટ તબીબો આવતીકાલથી સ્ટ્રાઈક પર જઈ રહ્યા છે. છેલ્લા દોઢ મહિનામાં વારંવાર સરકાર સહિત કેન્દ્ર સુધી રજૂઆતો કરવા છતાં આજદિન સુધી કોઈ નિવેડો આવ્યો નથી, ત્યારે હવે રેસિડેન્ટ તબીબોએ સ્ટાઈપેન્ડ માટે સ્ટ્રાઈક ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારતા તમામ ઉચ્ચ અધિકારીઓનને દોડતા કરી દીધા છે.
સરકારના નિયમ મુજબ દર 3 વર્ષે સ્ટાઈપેન્ડમાં 40 ટકાનો વધારો થવો જોઈએ તેવી માંગ સાથે સુરત સિવિલ હોસ્પિટલના તમામ રેસિડેન્ટ તબીબોએ આવતીકાલે એટ્લે કે, શનિવારથી હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. કોરોના માહામારીમાં પણ દર્દીના ડાયપર બદલવા, દર્દીને ભોજન કરાવવું, દર્દીનુ સ્ટ્રેચર ખેંચવું તો સાથે જ દર્દીના સગાઓનો માર અને ગાળો ખાવી, ICUમાં દર મિનિટે દર્દીનું મોનિટરીગ કરવા સહિતની કામગીરી આ તમામ રેસિડેન્ટ તબીબો કરી રહ્યા છે.
જોકે દર્દીની ચિંતા રાખી કામ કરતા રેસિડેન્ટ તબીબોની સરકારને પડી નહીં હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે, ત્યારે હવે સ્ટાઈપેન્ડ માટે સ્ટ્રાઈક જ વિકલ્પ સમજી આવતીકાલથી હડતાળ ઉપર જવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે રેસિડેન્ટ તબીબોની એક ટીમે જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી. જોકે ડોક્ટરોની અછત દૂર કરવા MBBS પાસ કરનારને સરકાર દ્વારા તાત્કાલિક 60 હજારના 1. 25 લાખ આપી ભરતી કરાઈ રહી છે, ત્યારે સ્ટાઈપેન્ડ વધારવામાં ગલ્લા તલ્લા કરાઈ રહ્યાં હોવાથી રેસિડેન્ટ તબીબોમાં રોષ જોવા મળ્યો છે.