વિશ્વના ફલક ઉપર આજે કોઇપણ વ્યવસાય કરવો હોય તો તેને ડિજીટલ કરવો પડે, પરંતુ સુરતનું નામ જેના કારણે પડ્યુ એવા ડાયમંડ સિટીમાં ડાયમંડનો ઉદ્યોગ જ ડિજીટલ નહોતો જો કે હવે આ ઉદ્યોગ પણ ડિજીટલ પ્લેટફોર્મ ઉપર આવી ગયો છે. શહેરના 4 જેટલા નવયુવાન એન્જીનીયરો દ્વારા એક મોબાઇલ એપ ડેવલોપ કરવામાં આવી છે જેના થકીથી નાના વેપારીઓ પણ પોતાના હીરાને વિશ્વના કોઇપણ ખૂણે વેચી શકશે. જેનો સીધો ફાયદો નાના ઉદ્યોગકારોને પણ મળી શકશે.
દેશ અને દુનિયા ડિઝિટલ યુગમાં પ્રવેશી ચૂકી છે. આંગળીના ટેળવે આજે દરેક વસ્તુ આવી ચૂકી છે. દરેક વેપાર દરેક વ્યવસાય હવે વેબસાઇટ અને મોબાઇલ એપ દ્વારા જ થઈ રહ્યો છે. કોઈ પણ વ્યવસાય કરવા માટે આપની પાસે એક ડીજીટલ પ્લેટફોર્મ હોવું જરૂરી છે. પરંતુ હીરા ઉદ્યોગ છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહ્યો છે તે માત્ર અને માત્ર વિશ્વાસ ઉપર ચાલતો વ્યવસાય છે. આ વ્યવસાય વિશ્વાસ ઉપર ચાલતો હોવાને કારણે ફક્ત ને ફક્ત એક સિમિત વર્તુળમાં જ ચાલી રહ્યો હતો. જો કે હવે વિશ્વના ફલક ઉપર આ વ્યવસાયને વિસ્તારવા માટે સુરતના 4 જેટલા નવયુવાન એન્જીનીયરો દ્વારા એક એપ બનાવવામાં આવી છે. એપ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય એટલો જ છે કે નાના વેપારીઓ આ એપ થકી પોતોના તૈયાર કરેલા હીરાને વિશ્વના ફલક ઉપર વેચી શકે જેના થકી નાના વેપારીઓને પણ એક મોટુ પ્લેટફોર્મ મળી રહે.
એપ બનાવ્યાને હજુ માત્ર 13 દિવસ જેટલો સમય વિત્યો છે ત્યારે એપને સારામાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એપમાં અત્યારસુધી 3100થી વધુ લોકો રજીસ્ટર થઇ ચૂક્યા છે. અને એપ માત્ર ગુજરાતી ભાષામાં હોવાને કારણે લોકોને સરળતા થઇ રહી છે. આ ઉપરાંત આ એપમાં ઓળખાણ નામનું એક ફીચર આપવામાં આવ્યું છે જેના થકી ધંધો કરનાર વ્યક્તિ સામેની વ્યક્તિનો અભિપ્રાય મેળવી શકશે જેથી છેતરાવાના ડર પણ ઓછો રહેશે.
સુરત ખાતે એપ ડેવલોપ થવાને કારણે સુરતના હીરાના વેપારીઓને આસાની થઇ રહી છે ત્યારે સુરત ખાતેથી એપ ડેવલોપ થઇ છે તેને લઇને વેપારીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રથમ વખત એપ ગુજરાતીમાં બનાવવામાં આવી છે જેનો વેપારીઓને સીધો ફાયદો મળી રહ્યો છે. ત્યારે પહેલા ઇઝરાયલના એન્જીનીયરો દ્વારા એક એપ બનાવવામાં આવી હતી જેના 4100 જેટલા યુઝર છે પરંતુ આ એપના યુઝર વઘતા હવે વેપારીઓને ફાયદો થવાની શક્યતા નકારી શકાતી નથી.
ચાર નવ યુવાન એન્જીનીયરોના પરિવારજનો વર્ષોથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા છે પરંતુ તેમનો વ્યવસાય સિમિત દાયરામાં હોવાને કારણે આ વિચાર આવ્યો અને અમલમાં મૂકતાની સાથે વિશ્વ ફલક ઉપર આજે એન્જીયરો દ્વારા કરવામાં આવેલા સાહસને લોકો આવકારી રહ્યા છે.