કૃષિ બીલના વિરોધમાં દિલ્હી બોર્ડર પર ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, ત્યારે તેઓના સમર્થનમાં સુરતમાં ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા એક દિવસના પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા. જેમાં ખેડૂત સમાજના આગેવાને જણાવ્યું હતું કે, આ લોકશાહી ખત્મ કરવાની શરૂઆત થઇ ચુકી છે. લોકોએ હવે જાગવાની જરૂર છે.
કેન્દ્ર સરકાર દ્વારા કૃષિને લગતા ૩ નવા કાયદાઓ બનાવવામાં આવ્યા છે. જેને લઈને દિલ્હી બોર્ડર પર છેલ્લા 28 દિવસથી ખેડૂતો વિવિધ રીતે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. પરંતુ હજુ સુધી આ મામલે કોઈ નિવેડો નથી આવ્યો, ત્યારે ખેડૂતો આંદોલનને ગુજરાતમાંથી પણ સમર્થન મળી ચુક્યું છે. અગાઉ બંધના એલાન બાદ આજે સુરતમાં ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા એક દિવસના પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા.
ખેડૂત સમાજના આગેવાન જયેશ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂત સમાજ અને ગુજરાતના બીજા 23 સંગઠનો ભેગા મળીને ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિ બનાવવામાં આવી છે. આજે તાલુકા અને જીલ્લા મથકે ખેડૂતો સહિત અનેક આગેવાનો પ્રતીક ઉપવાસ કરવા જઈ રહ્યા છે. આ ઉપરાંત તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસનો કાફલો જોતા એવું લાગે છે કે, પોલીસ અમને અહી ધરણા કરવા દેશે નહિ. આ લોકશાહી ખત્મ કરવાની શરૂઆત થઇ ચુકી છે. લોકોએ હવે જાગવાની અત્યંત જરૂર પણ વર્તાઇ રહી છે.