અરબી સમુદ્રમાં સર્જાયેલું તૌકતે વાવાઝોડુ ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહયું છે. આ વાવાઝોડુ તારીખ 18મી મેના રોજ બપોરના સમયે કચ્છના નલિયા અને ભાવનગરની વચ્ચે જમીન સાથે ટકરાય તેવી સંભાવના વ્યકત કરાય રહી છે. વાવાઝોડાની સંભાવનાના પગલે દક્ષિણ ગુજરાતમાં પણ તંત્ર એલર્ટ થઇ ગયું છે.
સુરતના દરિયાકાંઠા વિસ્તારોને સાબદા કરી દેવામાં આવ્યાં છે. ખાસ કરીને મહા નગરપાલિકા તથા નગરપાલિકાઓના અગ્નિશમન દળના જવાનોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યાં છે. કોઇ પણ સ્થિતિને પહોંચી વળવા માટે 16 ટીમો બનાવી દેવામાં આવી છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી હોવાથી એનડીઆરએફની ટીમો પણ વિવિધ વિસ્તારોમાં મોકલી આપવામાં આવી છે. સુરતમાં ફાયર વિભાગની ટીમો લાઇફ જેકેટ, વૃક્ષો કાપવાના મશીનો, લાઇફ સેવિંગ રીંગ, બોયા સહિતની બચાવ અને રાહત કામગીરી સાથે સજજ કરી દેવામાં આવી છે.
આ તમામ ટીમોને દરેક ફાયર સ્ટેશન પર તૈનાત કરી દેવામાં આવી છે. સુરત મનપાના ફાયર ઓફિસર હિતેશ ઠાકુરે જણાવ્યું હતું કે, દરેક ટીમમાં જરૂરીયાત મુજબ ફાયરમેનનો સમાવેશ કરાયો છે. 18મી તારીખ સુધી ટીમો કાર્યરત રહેશે. બચાવ અને રાહત કામગીરી સરળતાથી થાય અને કોઇ પણ સ્થિતિમાં લોકોને ઝડપથી મદદ મળે તે માટે ઇમરજન્સી કંટ્રોલરૂમ શરૂ કરાયો છે. બીજી તરફ નવસારી જિલ્લાના કાંઠા વિસ્તારોમાં પણ એનડીઆરએફની ટીમો મોકલી દેવામાં આવી છે.