રાજ્યના દક્ષિણ ગુજરાત વિસ્તારમાં વરસાદી સિસ્ટમ ફરી સક્રિય થઈ છે, ત્યારે સુરત જિલ્લાના ઉમરપાડામાં જાણે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. માત્ર 2 કલાકમાં જ 11 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેના કારણે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થતાં જનજીવન તરબતર થઈ ગયું છે.
સુરત જિલ્લામાં ઉમરપાડા બાદ માંગરોળમાં રસ્તાઓ પર પાણી ફરી વળતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જેમાં ઉમરપાડા તાલુકા અને ઉચવાણ ગામમાં વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મકાનોમાં પાણી ભરાઈ જતાં લોકોને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી હતી. રસ્તો જાણે નદી બની ગયો હોય તેમ પાણી વહેતું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અચાનક ખાબકેલા ધોધમાર વરસાદના પગલે માંગરોળ અને કોસંબાને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. જેના કારણે વાહન વ્યવહારને અસર થવા પામી હતી. જોકે જીવના જોખમે લોકો માર્ગ પસાર કરતાં નજરે પડ્યા હતા.