સુરત : કામરેજના ભાજપના ધારાસભ્ય "સેવા"ના નામે પ્રસિધ્ધિ મેળવવાના ચકકરમાં થયાં "ટ્રોલ"

New Update
સુરત : કામરેજના ભાજપના ધારાસભ્ય "સેવા"ના નામે પ્રસિધ્ધિ મેળવવાના ચકકરમાં થયાં "ટ્રોલ"

કોરોનાની મહામારીમાં લોકોમાં ભારે ગુસ્સો છે તેવામાં સેવાના નામે પ્રસિધ્ધિ મેળવવા જતાં સુરતના કામરેજના ભાજપના ધારાસભ્ય ઝાલાવાડીયા બરાબરના ભેરવાયાં છે.


કોરોનાનું સંક્રમણ ઓછું થયા બાદ ભાજપના નેતાઓ લોકોની વચ્ચે દેખાઇ રહયાં છે. કોરોનાની મહામારી અનિયંત્રિત બની જતાં લોકોમાં ભારે ગુસ્સો પણ જોવા મળી રહયો છે. તાજેતરમાં ભાજપના કામરેજના ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડીયા કોરોનાના દર્દીઓની વચ્ચે પહોંચ્યાં હતાં. તેમણે કોરોનાના દર્દીઓને જયાં આઇસોલેટ કરાયાં છે તે વોર્ડમાં પહોંચી જાતે જ તબીબ હોય તેમ દર્દીના બોટલમાં ઇન્જેકશન માર્યું હતું. ધારાસભ્યનો આ વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. ભાજપના ધારાસભ્ય ભલેને પાંચ ચોપડી ભણ્યા હોય પણ ઇન્જેકશન આપી શકે છે તેમ પણ તેઓ બોલ્યાં હતાં. આ વિડીયો સુરતના સરથાણા ખાતેનો હોવાની વિગતો બહાર આવી છે. તબીબોની હાજરીમાં જાતે ઇન્જેકશન આપતાં વીડીયો વાયરલ થયાં બાદ સોશિયલ મિડીયામાં તેઓ ટ્રોલ થયાં હતાં. વિડીયો વાયરલ થયાં બાદ ધારાસભ્યએ જણાવ્યું હતું કે, આ બે દિવસ પહેલાંનો વિડીયો છે. ઇન્જેકશન આપવામાં કંઈ ખોટું નથી. મને ડોક્ટરે કહ્યું કે, તમે ઇન્જેક્શન આપી દો, એટલા માટે મે ઇન્જેક્શન આપ્યું હતું.