સુરત જિલ્લામાં કોસંબા-ઉમરપાડા નેરોગેજ ટ્રેન બંધ કરાતા માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં આ રૂટની નેરોગેજ ટ્રેનને મુસાફરો માટે પુનઃ શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
એક સમયે સુરત જિલ્લામાં માંગરોળ અને ઉમરપાડા તાલુકો એક જ હતો, ત્યારે સમગ્ર દેશમાં એકમાત્ર કોસંબા અને ઉમરપાડા તાલુકામાં ચાલતી નેરોગેજ ટ્રેન હતી. જોકે સમય સાથે તાલુકાનું વિભાજન થયું હતું. જેમાં માંગરોળ અને ઉમરપાડા તાલુકા અલગ થયા હતા. ગાયકવાડી સ્ટેટ સમયે નેરોગેજ ટ્રેન શરૂ કરવમાં આવી હતી અને ત્યારથી અવિરતપણે નેરોગેજ ટ્રેન ચાલી રહી હતી. પરંતુ વર્ષ 2019માં લોકસભાની ચૂંટણીના થોડા સમય પહેલા જ આ ટ્રેન બંધ કરી દેવામાં આવી હતી. જોકે હાલમાં જ સરકારે આ તમામ નેરોગેજ ટ્રેનોને હંમેશા માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેને લઇ માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોસંબા-ઉમરપાડા નેરોગેજ ટ્રેનને મુસાફરો માટે પુનઃ શરૂ કરવામાં આવે તેવી માંગ રાજ્યપાલને સંબોધીને મામલતદાર કચેરીએ આવેદન પાઠવી રજૂઆત કરી હતી.
ઉમરપાડા અને માંગરોળ તાલુકા માટે આ નેરોગેજ ટ્રેન જીવાદોરી સમાન હતી. આદિવાસી વિસ્તારમાંથી નોકરી ધંધાર્થે કીમ, કોસંબા અને સુરત સહિતના ઓદ્યોગિક વિસ્તારમાં આવવા-જવા માટે લોકોએ આ ટ્રેનનો જ સહારો લેવો પડતો હતો. પરંતુ સમય સાથે ટ્રેનની ઝડપ વધવાને બદલે ટ્રેકની યોગ્ય જાળવણીના અભાવના કારણે 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેન 15 કિલોમીટર પ્રતિ કલાક થઇ ગઈ હતી. જેથી મુસાફરોની સંખ્યા ઘટવા લાગી અને આખરે સરકારે નેરોગેજ ટ્રેનને બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો હતો. જોકે આ ટ્રેનને પુનઃ શરૂ કરવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે. વર્ષ 2019માં ચૂંટણીના પ્રચાર દરમ્યાન સાંસદ પ્રભુ વસાવા દ્વારા આ વિસ્તારના લોકો માટે ટ્રેન ફરીથી શરૂ થશે તેવી બાહેંધરી આપવામાં આવી હતી. જેના સર્વે માટે બજેટ મંજુર થયું હોવાનું પણ કહ્યું હતું. સાંભળો શું કહ્યું હતું બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવાએ…
જોકે હાલ અચાનક જ સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરી આ તમામ નેરોગેજ ટ્રેન બંધ કરવાનો નિર્ણય કરાયો છે, ત્યારે કોસંબા-ઉમરપાડા નેરોગેજ ટ્રેન બંધ કરાતા માંગરોળ તાલુકા વિસ્તારના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.