/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/24175729/maxresdefault-321.jpg)
સુરત જિલ્લાના માંડવી નગરપાલિકા દ્વારા “સર્વ જન હિતાય, સર્વ જન સુખાય”ના મંત્રને ચરિતાર્થ કરતા “અટલ થાળી યોજના” શરૂ કરવામાં આવી છે. જેમાં ગરીબો, શ્રમિકો અને જરૂરીયાતમંદ પરિવારોને નજીવા દરે ભોજન મળી રહે તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
હવે, કોઈપણ વ્યક્તિ ભૂખ્યો ન સુએ તેવા ઉમદા આશયથી સુરત જિલ્લાના માંડવી નગરપાલિકા દ્વારા નાના કુંભારવાડ, ધી માંડવી નાગરિક સહકારી બેંકની પાછળ, વોર્ડ નં. ૩ ખાતે અટલ થાળી યોજના અંતર્ગત ભોજનાલય શરૂ કરવામાં આવ્યું છે. જેમાં માત્ર 15 રૂપિયામાં જરૂરિયાતમંદોને ઘર જેવું જ પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. અટલ થાળીમાં દાળ, ભાત, શાક તથા પુરી પીરસવામાં આવી રહી છે, ત્યારે હાલ છેલ્લા અઠવાડિયાથી અટલ થાળી યોજના શરૂ થતાં દરરોજ 250થી વધુ શ્રમિકો, જરૂરિયાતમંદો આવી પેટની આંતરડી ઠારી રહ્યા છે.
સમગ્ર ભારતમાં લગભગ માંડવી નગરપાલિકા પહેલી હશે કે જેને આ અટલ થાળી યોજના શરૂ કરી છે. આ યોજનામાં લાભાર્થી માત્ર 15 રૂપિયા ચૂકવે છે, જ્યારે બાકીનો ખર્ચ જન ભાગીદારી તથા નગરપાલિકાના સ્વભંડોળમાંથી ચૂકવી રહી છે. હાલ તો માંડવી નગરમાં આ નગરપાલિકા સંચાલિત અટલ થાળી યોજના શરૂ થતાં શ્રમિકો અને જરૂરીયાતમંદો માટે આ યોજના આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે.