સુરતના સંવેદનશીલ ગણાતા સલાબતપુરા વિસ્તારમાં આવેલી આદિનાથ ટેક્સટાઈલ માર્કેટમાં અચાનક આગ ફાટી નીકળતા ભારે અફડાતફડી મચી ગઈ હતી.
સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલી આદિનાથ ટેક્સટાઈલ માર્કેટના ત્રીજા માળે આવેલી એક દુકાનમાં અચાનક આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી નજરે પડ્યા હતા. માર્કેટમાંથી અચાનક ધુમાડો નીકળતા જ વેપારીઓ અને કામદારોમાં ભારે દોડધામ અને નાસભાગ મચી ગઈ હતી. જોકે, સદનસીબે સમયસર લોકોને સુરક્ષિત બહાર ખસેડી લેવામાં આવ્યા હતા.
ઘટનાની ગંભીરતાને જોતા તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. સુરતના 10 જેટલા અલગ-અલગ ફાયર સ્ટેશનોમાંથી તાત્કાલિક 14 થી 15 જેટલી ફાયરની ગાડીઓ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર બચાવ તેમજ આગ પર કાબૂ મેળવવાની કામગીરીનો મોરચો સંભાળ્યો હતો.
ફાયર ફાઈટરોના જવાનોએ ભારે જહેમત અને ત્વરિત કામગીરી દાખવીને આગને અન્ય દુકાનોમાં ફેલાતી અટકાાવી દીધી હતી અને ટૂંક સમયમાં જ આગ પર સફળતાપૂર્વક કાબૂ મેળવી લીધો હતો.સદનસીબે આ મોટી દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી.
