ગુજરાત પ્રાંતભરમાં "મારું ગામ, કોરોનામુક્ત ગામ" હેતુ સાથે ગ્રામ સંજીવની અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના વિવિધ ગામોમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.
ઓલપાડ તાલુકામાં "મારું ગામ, કોરોનામુક્ત ગામ" અભિયાન હેઠળ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ ગામે ગામ અને ઘરે-ઘરે જઈને કોરોનાના વિષયમાં જાગરૂતતા ફેલાવી રહ્યા છે. અને સાથે જ કોઈને કોરોના થાય તો લોકોએ કેવી સાવધાની રાખવી તેની પણ માહિતી આપવામાં આવી રહી છે. આ અભિયાનમાં કીમ શાખાના 10 કાર્યકર્તાઓએ 2 ટીમ બનાવી તા. 30 મે સુધી 25થી વધુ ગામોમાં જઈને લોકોમાં ઓક્સિજનનું પ્રમાણ અને શરીરનું તાપમાન તપાસ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે ભારત સરકાર દ્વારા માન્ય હોમિયોપેથી દવાનું પણ વિનામુલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે.
આ અભિયાનનો હેતુ ઓલપાડ તાલુકાના ગામોને કોરોના મુક્ત રાખી કોરોના વિષયની જાણકારી આપવાનો છે. જે અંતર્ગત છેલ્લા 3 દિવસમાં કીમ શાખા દ્વારા 10 ગામોમાં 1000થી વધુ લોકોનું મેડિકલ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. તો સાથે જ રસીકરણના વિષય પર ભાર આપી લોકોને જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે.