સુરતમાં શાળા સંચાલકોની મનમાની ફરી એકવાર સામે આવી છે. નિર્ધારિત ફી હોવા છતાં જી.ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વધુ ફી વસૂલ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં સ્કૂલ યુનિફોર્મમાં પોતાના બાળકોને લઈ વાલીઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા.
સુરત શહેરમાં શાળા સંચાલકોની દાદાગીરી યથાવત જોવા મળી રહી છે. શાળામાં લેવાતી ફીને લઈ અવારનવાર વાલીઓ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે, ત્યારે શહેરની જી.ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વધુ ફી વસૂલ કરવામાં આવતી હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે. જેના વિરોધમાં પોતાના બાળકોને સ્કૂલ યુનિફોર્મમાં લઇને વાલીઓ જિલ્લા કલેકટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોચ્યા હતા.
સુરતની જી.ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલના વાલીઓએ જણાવ્યું હતું કે, ફી નિર્ધારણ હોવા છતાં શાળા દ્વારા વધુ ફી સ્કૂલ વસૂલ કરવામાં આવી રહી છે. ઉપરાંત એક્ટિવિટીના નામે ઉઘાડી લૂંટ ચલાવાઈ રહી હોવાનો પણ આરોપ લગાડવામાં આવ્યો છે. જો ફી નહીં ભરવામાં આવશે તો વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ બંધ કરી દેવામાં આવશે તેવું શાળા સંચાલકો દ્વારા દબાણ પણ કરવામાં આવી રહ્યું છે. જેના વિરોધમાં શાળાના વાલીઓમાં ઘણો રોષ ફાટી નીકળ્યો છે.