કોરોનાના સંક્રમણ વચ્ચે પાસના નેતા અલ્પેશ કથીરિયાએ સુરત જિલ્લાના કામરેજ ખાતે પોતાના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરી હતી. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. જોકે વિડિયો જોતાં કોવિડ-19ના નિયમોનો સરેઆમ ભંગ કરવામાં આવતા જિલ્લા એસપીએ અલ્પેશ કથેરિયા સહિત અન્ય સાથીઓની ધરપકડ કરી હતી. સમગ્ર મામલે એક એ.એસ.આઈ. સહિત 3 પોલીસ કોન્સ્ટેબલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે
કોરોનાના સંક્રમણ વચ્ચે સુરત જિલ્લાના કામરેજ ખાતે આવેલ સહજાનંદ ફાર્મ હાઉસમાં પાસના નેતા અલ્પેશ કથીરિયાએ પોતાના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરી હતી. ફાર્મ હાઉસમાં ડાયરા અને ડીજે સહિત જમણવાર સાથેની પાર્ટી કરવામાં આવી હતી. વિડીયોમાં સ્પષ્ટ જોવા દેખાય છે કે, અલ્પેશ કથીરિયાને સમર્થકોએ ખભા પર બેસાડી બર્થ-ડે પાર્ટીની ઉજવણી કરી રહ્યા છે. જેમાં અનેક યુવાનો માસ્ક વગર નજરે પડે છે. કોરોના મહામારી વચ્ચે કોવિડ-19 ના નિયમોનો સરેઆમ ભંગ થયો હોવાના દ્રશ્યો સામે આવતા જિલ્લા પોલીસે અલ્પેશ કથેરિયા, ફાર્મ હાઉસના માલિક સહિત ધાર્મિક માલવીયા, સંજય માવાણી, નીકુજં કાકડીયા, નીલેશ કૂભાણીની ધરપકડ કરી છે. તો સાથે જ આ મામલે જિલ્લા પોલીસ વડા દ્વારા એક ASI અને 3 કોન્સ્ટેબલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પાસના નેતા અલ્પેશ કથીરિયાના જન્મદિવસની ઉજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ દ્વારા અલ્પેશ કથીરિયા સહિત અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે કામરેજ પોલીસ મથકે અલ્પેશ કથીરિયાના સમર્થકોના ટોળેટોળા વળ્યા હતા. જોકે સમર્થકોનો ધસારો વધતા કામરેજ પોલીસ મથકના મુખ્ય ગેટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, ત્યારે પોલીસ ભાજપ સરકારના ઈશારે કામ કરતી હોવાનો પણ અલ્પેશ કથીરિયાના સમર્થકોએ આક્ષેપ કર્યો હતો.