/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/10153020/maxresdefault-22.jpg)
કોરોનાના કારણે ગત વર્ષે વતનમાં જવા ભારે યાતનાઓ વેઠી હતી હવે ફરીથી જયારે લોકડાઉનનો ખતરો ટોળાઇ રહયો છે ત્યારે સુરત તથા આસપાસના વિસ્તારોમાં રહેતાં શ્રમજીવીઓ અત્યારથી જ વતનની વાટ પકડી રહયાં છે.
સુરત જિલ્લામાં કોરોના કહેર એટલી હદે વધી રહ્યો છે કે લોકો ભયભીત થઈ રહ્યા છે. સુરત જિલ્લામાં કોરોના કેસની સાથે સાથે મૃત્યુ દરની સંખ્યામાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે આવી પરિસ્થિતિમાં લોકડાઉનના ભયથી પરપ્રાંતિય કામદારો પણ ચિંતામાં મુકાયા છે. ગમે ત્યારે લોકડાઉન આવી જાય તેવા ડરથી સુરત શહેર તેમજ જિલ્લામાંથી શ્રમજીવીઓ પલાયન થઇ રહયાં છે. ગત વર્ષે લોકડાઉન દરમિયાન તેમને પરિવાર તથા નાના બાળકો સાથે હજારો કીમીની પદયાત્રા કરી પોતાના વતનમાં જવું પડયું હતુ઼.
વર્તમાન સમયમાં ખાસ કરીને સુરત જિલ્લાના કડોદરા તેમજ પીપોદરાની કંપનીઓમાં કામ કરતા પર પ્રાંતીય કામદારો ખાનગી બસ મારફતે પોતાના વતન વાપસી કરી રહ્યા છે. પરપ્રાંતીય કામદારો ને એક જ બીક છે કે ફરી થી લોકડાઉન લાગી જશે અને તેઓ ફસાઈ જશે. આજ બીક તથા ડરના કારણે સુરતના કીમ ચાર રસ્તા ખાતેથી અલગ અલગ ખાનગી બસો મારફતે પરપ્રાંતીય કામદારો પોતાના વતન ઉત્તર પ્રદેશ જવા માટે પલાયન થયાં છે. બીજી તરફ બસોમાં ચિકકાર ગીર્દીને જોતા કોરોનાનું સંક્રમણ ઘટવાને બદલે વધે તેવી પ્રબળ સંભાવનાઓ છે.