પોલીસ જવાને પાડોશી પરિવાર પર કર્યો હુમલો

કાર પાર્કિંગ અને મેન્ટેનન્સ મુદ્દે પોલીસ જવાનની દાદાગીરી 

77 વર્ષીય વૃદ્ધ માતાને નીચે પટકી દીધા, વીડિયો વાયરલ

નિલેશ પટેલ અને તેમના પરિવારને ઢોર માર માર્યો

કોઈ સમાધાન નહીં, ખાખીધારી સામે કડક FIRની માંગ

સુરતના પોશ ગણાતા પાલ વિસ્તારમાં આવેલી ગાર્ડેનિયા રો-હાઉસ સોસાયટીમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. જ્યાં વેસુ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ જવાન નરેશ ગઢવી કુંચલાએ પોતાની ખાખીનો રોફ બતાવી પાડોશી પરિવાર પર હુમલો કર્યો છે.

સુરતમાં કાયદો અને વ્યવસ્થાની રક્ષા કરતા પોલીસકર્મી જ જ્યારે કાયદો હાથમાં લે ત્યારે ન્યાયની આશા કોની પાસે રાખવી? સુરતના પોશ ગણાતા પાલ વિસ્તારમાં આવેલી ગાર્ડેનિયા રો-હાઉસ સોસાયટીમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. જ્યાં વેસુ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ જવાન નરેશ ગઢવી કુંચલાએ પોતાની ખાખીનો રોફ બતાવી પાડોશી પરિવાર પર હુમલો કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, કાર પાર્કિંગ અને સોસાયટીના મેન્ટેનન્સ જેવી અત્યંત સામાન્ય બાબતે પોલીસકર્મી નરેશ ગઢવીએ પાડોશી નિલેશ પટેલ સાથે ઉગ્ર બબાલ શરૂ કરી હતી. વાત એટલી વધી ગઈ કે નરેશ ગઢવીએ ભાન ભૂલીને નિલેશ પટેલ અને તેમની પત્ની પર હુમલો કરી દીધો હતો. હદ તો ત્યારે થઈ જ્યારે વચ્ચે પડેલા 77 વર્ષીય વૃદ્ધ માતાને પણ આ પોલીસવાળાએ જોરથી ધક્કો મારી નીચે પટકી દીધા હતા, જેના કારણે વૃદ્ધાને ગંભીર ઈજાઓ પહોંચી છે.

આ સમગ્ર દાદાગીરી અને મારામારીની ઘટના કેમેરામાં કેપ્ચર થઈ ગઈ છે, જેના વીડિયો પુરાવા હવે સામે આવ્યા છે. સ્થાનિકો અને પીડિત પરિવારનો આક્ષેપ છે કે, આરોપી નરેશ ગઢવી પોલીસ વિભાગમાં હોવાના કારણે અવારનવાર સોસાયટીના રહીશો પર દાદાગીરી અને રોફ ઝાડતો હતો.

હુમલાનો ભોગ બનેલા પટેલે પરિવાર હવે આ મામલે આરપારના મૂડમાં છે. પરિવારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈ પણ સંજોગોમાં સમાધાન નહીં કરે. ખાખીના જોરે દાદાગીરી કરતા નરેશ ગઢવી સામે ગુનો નોંધી કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. હવે જોવાનું એ રહેશે કે સુરત પોલીસ પોતાના જ કર્મચારી સામે શું પગલાં લે છે.