સુરત : ઉધનામાં બિલ્ડીંગની ગેલેરીનો ભાગ થયો ધરાશાયી, પાલિકા કર્મીઓએ લોકોને સલામત રીતે બહાર કાઢ્યા

New Update
સુરત : ઉધનામાં બિલ્ડીંગની ગેલેરીનો ભાગ થયો ધરાશાયી, પાલિકા કર્મીઓએ લોકોને સલામત રીતે બહાર કાઢ્યા

સુરતના ઉધના વિસ્તારમાં આવેલ એક બિલ્ડીંગની ગેલેરીનો ભાગ અચાનક ધરાશાયી થયો હતો. બનાવની જાણ થતાં જ પાલિકાનો સ્ટાફે ઘટના સ્થળે દોડી આવી બિલ્ડીંગમાં હાજર લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નહીં થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ લક્ષ્મીનારાયણ બિલ્ડીંગની ગેલેરીનો ભાગ અચાનક તૂટી પડતાં દુકાનદાર સહિત આસપાસના લોકોમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. ઉપરાંત બિલ્ડીંગનો કાટમાળ નીચે રહેલા વાહનો પર તૂટી પડતા અનેક વાહનોમાં પણ નુકશાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. બનાવની જાણ સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ બિલ્ડિંગમાં હાજર લોકોને બહાર કાઢી આખી બિલ્ડીંગ ખાલી કરવામાં આવી હતી. જોકે, સ્થાનિકોના જણાવ્યા અનુસાર, લક્ષ્મીનારાયણ બિલ્ડીંગ વર્ષોથી જર્જરીત હાલતમાં છે, ત્યારે ગેલેરીનો ભાગ તૂટી પડ્યા બાદ આજુબાજુના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.