સચિન વિસ્તારમાં રિવોલ્વર સાથે ચાર લૂંટારા ત્રાટક્યા
જ્વેલર્સની લૂંટ સહિત મર્ડરની ઘટના બનતાં ચકચાર
સમગ્ર ઘટનામાં લૂંટારુઓની હરકત CCTVમાં કેદ થઈ
એક લૂંટારો ઝડપાતાં લોકોએ માર મારી અધમૂઓ કર્યો
લૂંટ સહિત મર્ડરની ઘટના મામલે પોલીસે તપાસ આદરી
સુરત શહેરના સચિન વિસ્તારમાં જ્વેલર્સની લૂંટ વીથ મર્ડરની ઘટના બનતાં ચકચાર મચી જવા પામી છે, ત્યારે હાલ તો પોલીસે CCTV ફૂટેજના આધારે લૂંટારુઓનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે.
સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલી શ્રીનાથજી જ્વેલર્સમાં લૂંટ વીથ મર્ડરની ઘટના બનતાં ચકચાર મચી જવા પામી છે. ગત તા. 7 જુલાઈએ રાત્રિના સાડા આઠ વાગ્યાના અરસામાં 4 લૂંટારા રિવોલ્વર જેવા હથિયાર સાથે શ્રીનાથજી જ્વેલર્સ શોરૂમમાં લૂંટના ઈરાદે ઘૂસી આવ્યા હતા. દુકાનમાં હાજર આશિષ રાજપરાએ પ્રતિકાર કરતાં એક લૂંટારાએ તેના પર 2 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. આ ગોળીઓ આશિષ રાજપરાને છાતીના ભાગે વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
તેમને તાત્કાલિક સચિન હોસ્પિટલ અને ત્યારબાદ એપલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન આશિષ રાજપરાનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં અન્ય એક વ્યક્તિને પણ ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. લૂંટ અને ગોળીબારની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ભાગવાનો પ્રયાસ કરતા હતા. આ સમગ્ર ઘટનાક્રમ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.
સીસીટીવી ફૂટેજમાં સૌપ્રથમ એક આરોપી દીવાલ કૂદીને ભાગતો નજરે પડે છે, અને તેની પાછળ અન્ય ત્રણ આરોપીઓ પણ ભાગતા દેખાય છે. આરોપીઓને પકડવા માટે કેટલાક લોકો તેમની પાછળ દોડી રહ્યા હતા તે દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે. જોકે, એક લૂંટારુને લોકોએ ઝડપી પાડી ઢોર માર મારતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
શહેરના ધમધમતા વિસ્તારમાં લૂંટની ઘટના બનતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ, સચિન પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચ પણ આ તપાસમાં જોડાઈ છે, અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.