અનાજના વેપારી પાસે ખંડણી માંગવાનો મામલો
આપના કાર્યકર્તા તરીકે ઓળખ આપી માંગી ખંડણી
આપના કાર્યકર્તાનો સાગરીત વસુલતો હતો ખંડણી
સસ્તા અનાજના વેપારીએ નોંધાવી પોલીસ ફરિયાદ
લિંબાયત પોલીસે ગુનો દર્જ કરીને શરૂ કરી તપાસ
સુરત શહેરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા શ્રવણ જોષી અને તેના સાગરીત સંપત ચૌધરી સહિતના ઈસમો વિરુદ્ધ ખંડણી માંગવાના આરોપસર પોલીસ ફરિયાદ દર્જ થતા ચકચાર મચી ગઈ હતી.
સુરત શહેરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા શ્રવણ જોષી અને તેના સાગરીત સંપત ચૌધરી વિરુદ્ધ અનાજની દુકાનદારો પાસેથી લાખોની ખંડણી વસૂલવાના ગંભીર આરોપ સાથે ફરિયાદ નોંધાઈ છે. શ્રવણ જોષી આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરીકે ઓળખ આપીને સસ્તા અનાજની દુકાનો પર જઈ લાયસન્સ રદ કરાવવાની ધમકી આપી વીડિયો બનાવતો અને બાદમાં 'સેટલમેન્ટ'ના નામે હપ્તાખોરી કરતો હોવાનો પર્દાફાશ થયો છે.
આ સમગ્ર કૌભાંડમાં વેપારીઓએ હિંમત બતાવી સંપત ચૌધરીને એક લાખ રૂપિયાની રોકડ આપતો લાઈવ વીડિયો ઉતારી લેતા હપ્તાખોરીનું નેટવર્ક ખુલ્લું પડ્યું છે. સાગરીત સંપત ચૌધરીએ અન્ય એક વીડિયોમાં કબૂલાત કરી છે કે તે શ્રવણ જોષીના કહેવા પર જ 25-25 હજારના હપ્તા લેવા જતો હતો, જેના આધારે પોલીસે હવે આ હપ્તાખોર ટોળકી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.