/connect-gujarat/media/media_files/2025/09/03/shah-investment-2025-09-03-16-12-08.jpg)
સુરતના શાહ દંપતીએ રોકાણના નામે અનેક લોકો પાસેથી લાખો-કરોડો રૂપિયા પડાવી લીધા છે. દંપતીએ ટૂંક સમયમાં વધુ રૂપિયાના નફાની લાલચમાં રોકાણકારો પાસેથી પૈસા લીધા અને બાદમાં ચૂકવણી વખતે રોકાણકારોને નફો તો દૂર પણ રોકાણની કિંમત પણ પાછી ન આપી. લોકોને પોતાની જાળમાં ફસાવવા માટે તેમણે અનેક જાણીતા ઈન્ફ્લુએન્સર અને સેલેબ્સ દ્વારા જાહેરાતો કરાવી હતી. આ દંપતી સામે સીઆઇડી ક્રાઇમ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને હાલ બંને જેલના સળીયા પાછળ છે.
સુરતમાં સિંગણપોર-કોઝ વે રોડ ઉપર સિલ્વર સ્ટોન આકર્ડેમાં શાહ ઇન્વેસ્ટમેન્ટ નામની શેર ટ્રેડિંગ ઓફિસ ચલાવવામાં આવી રહી હતી. આ ઓફિસના માલિક અને સંચાલક હાર્દિક શાહ અને તેની પત્ની પૂજા શાહ છે. આ બંને લોકોએ રોકાણકારોને 100 દિવસમાં 12થી 15 ટકાના વળતરની લાલચ આપી હતી.
આ સિવાય આ દંપતીએ પોતાની આ સ્કીમની જાહેરાત જાણીતા ઈન્ફ્લુએન્સર અને સેલેબ્સ દ્વારા પણ કરાવી હતી. જેમાં જાણીતા ફિલ્મ સ્ટાર જાનકી બોડીવાલા, પૂજા જોશી અને મિત્ર ગઢવી જેવા લોકોનો સમાવેશ થાય છે. આ સિવાય દંપતીએ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાની પાસેથી પણ આ સ્કીમ વિશે જાહેરાત કરાવી હતી. જેનાથી આકર્ષાઈને અનેક લોકો તેમજ વેપારીઓએ હજારો-લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું.
દંપતીએ આ પ્રકારે અનેક લોકો પાસેથી લાખોનું રોકાણ મેળવી પૈસા પરત ન ચૂકવતા પીડિત રોકાણકારોએ આ વિશે ફરિયાદ દાખલ કરાવી અને બાદમાં આખા કૌભાંડોનો ભાંડો ફૂટ્યો હતો. આ શાહ દંપતી સામે બે દિવસમાં સીઆઇડી ક્રાઇમમાં બીજો ગુનો દાખલ કરાયો છે. હાલ સીઆઇડી ક્રાઇમે અંદાજિત 1.33 કરોડના ચીટિંગનો ગુનો દાખલ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. હાલ, આ દંપતી છેતરપિંડીના કેસમાં ચોક બજાર પોલીસ સ્ટેશનની જેલમાં બંધ છે.
આ દંપતીની સ્કીમની લાલચમાં આવીને ભોગ બનનાર લોકોમાંથી અત્યાર સુધીમાં ચાર લોકોએ ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં બે ભોગ બનનાર લોકોએ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં તેમજ અન્ય બે પીડિતોએ CID ક્રાઇમમાં પોતાની ફરિયાદ નોંધાવી છે. જોકે, આ મામલે આગળ હજુ વધુ પીડિત તેમજ છેતરપિંડીમાં અન્ય લોકોની પણ સંડોવણી હોવાનું સામે આવી શકે છે. આ સાથે જ છેતરપિંડીની રકમમાં પણ વધારો થઈ શકે છે.