સુરત : ભાઠેનામાં 25 CCTV લગાવી ઘરમાં કંટ્રોલરૂમ ઉભો કરીને રોજનું દોઢ લાખનું ડ્રગ્સ વેચતા માફિયાની ધરપકડ

રોજનું દોઢ લાખનું એમડી ડ્રગ્સનું વેચાણ કરતા ડ્રગ્સ માફીયાને સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમે બાતમીને આધારે રેડ કરીને  ઝડપી લીધો ડ્રગ્સ માફીયાના ખિસ્સામાંથી રૂપિયા 12 લાખનું ડ્રગ્સ પણ મળી આવ્યું

New Update
  • એસઓજીની ટીમનું સફળ ઓપરેશન

  • હાઈટેક ડ્રગ્સ પેડલરની કરી ધરપકડ

  • વોકીટોકી,સીસીટીવીથી ડ્રગ્સનો હાઈટેક વેપલો

  • આરોપી તમામ ગતિવિધિ પર રાખતો નજર

  • "કપડે લેને આયા હૈ" કોડવર્ડથી થતું વેચાણ    

  • રૂ.12 લાખના ડ્રગ્સ સાથે માફિયાની ધરપકડ

  • પોલીસે રૂ. 16 લાખ રોકડા પણ કર્યા જપ્ત  

સુરતના ભાઠેના પંચશીલનગરમાં 4 વોકીટોકી અને 25 સીસીટીવી કેમેરા સાથેના કંટ્રોલરૂમ થકી ડ્રગ્સનું વેચાણ કરવાનો પર્દાફાશ પોલીસે કર્યો છે.પોલીસે એક પેડલરની ધરપકડ કરીને 12 લાખનું ડ્રગ્સ અને રૂપિયા 16 લાખ રોકડા જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે.

સુરતના ભાઠેના પંચશીલનગરમાં 500 મીટરના એરિયામાં 4 વોકીટોકી અને 25 સીસીટીવી કેમેરા રાખીને રોજનું દોઢ લાખનું એમડી ડ્રગ્સનું વેચાણ કરતા ડ્રગ્સ માફીયાને સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમે બાતમીને આધારે રેડ કરીને  ઝડપી લીધો છે. ડ્રગ્સ માફીયાના ખિસ્સામાંથી રૂપિયા 12 લાખનું 120 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. સાથે ડ્રગ્સ વેચાણના 16 લાખના રોકડા પણ મળી આવ્યા હતા.

રેડ દરમિયાન એસઓજીના સ્ટાફને 2 લોડેડ પિસ્તોલ મળી હતી. ડ્રગ્સ માફીયા શીવા ઉર્ફે શિવરાજ ભુપેન્દ્ર ઝાલાની એસઓજીએ ધરપકડ કરી છે. શીવાએ ઘરમાં 55 ઇંચના ટીવીમાં કેમેરાની લાઇવ ફીડ જોતો હતો. આ માફિયા માત્ર ધોરણ-3 સુધી જ ભણેલો છે.

શીવા અગાઉ સલાબતપુરા પોલીસમાં મારામારીના 6 ગુનાઓઉમરા પોલીસમાં લૂંટ વિથ અપહરણ તેમજ ખટોદરા પોલીસમાં હત્યાના ગુનામાં પકડાયો હતો. અગાઉ પાસા-તડીપાર સુધીની પણ પોલીસે કાર્યવાહી કરી હતી. એસઓજીની પીઆઈ સહિત 27 જવાનોની ટીમ 20 બાઇક પર પંચશીલનગરમાં ગઈ અને આખા વિસ્તારને ચારેય બાજુથી કોર્ડન કરી ડ્રગ્સ માફીયાને પકડી લીધો હતો.

માફિયા શીવાએ ઝૂંપડાઓને વચ્ચે 3 માળનો બંગલો બનાવ્યો હતો અને તેમાં અદ્યતન સુવિધાઓ ઉભી કરી હતી. ડ્રગ્સ વેચીને મેળવેલા 16 લાખ પણ તેની પાસેથી મળી આવ્યા હતા. માફિયાને પોલીસ મોબાઇલ ટ્રેસ કરે તો પકડાઈ જવાનો ડર હતો. આથી ડ્રગ્સ માફીયાએ પન્ટરો સાથે વોકિટોકીથી વાત કરતા હતા. આરોપીના ઘર પાસે ભાઠેના બ્રીજ અને એક બાજુ ખાડી તેમજ આસપાસ ઝુંપડપટ્ટીનો વિસ્તાર હતો. ડ્રગ્સ માફીયાએ તેના પન્ટરોને ઘરની આસપાસ ગોઠવી દીધા હતા. કોઈ શંકાસ્પદ લાગે કે પછી પોલીસ આવી હોય એવું દેખાય તો તાત્કાલિક વોકિટોકીથી એકબીજાને એલર્ટ કરી દેતા હતા.ડ્રગ્સ લેવા આવનારા લોકોને "કપડે લેને આયા હૈ" એવો કોડવર્ડ અપાયો હતો. આવું બોલે તો જ ડ્રગ્સ વેચાતું હતું.

એસઓજીએ આરોપીના ઘરનું ડીવીઆર પણ કબજે લીધું છે. જો તેના સીસીટીવી કેમેરા ચેક થાય તો ડ્રગ્સના આ ધંધામાં કોણ-કોણ સામેલ અને ડ્રગ્સ લેવા માટે કોણ-કોણ આવતું હતું તે બધી જ માહિતી પોલીસને મળી શકે એમ છે.

Latest Stories