ઉમરપાડા જંગલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
પ્રેમ સંબંધમાં મિત્રએ કરી હતી મિત્રની હત્યા
LCB પોલીસ દ્વારા હત્યારા મિત્રની ધરપકડ
સુરત જિલ્લામાં હત્યા, લૂંટ અને ચોરી જેવી ઘટના હવે સામાન્ય બની ગઈ છે. અવાર નવાર ક્રાઈમની ઘટનાઓ સુરતમાં બનતી રહે છે, ત્યારે આવી જ ઘટનામાં વધુ એક ઉમેરો થયો છે. સુરતના ઉમરપાડામાં હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ હત્યા ચોરી કે, લૂંટ માટે નહીં, પરંતુ પ્રેમના કારણે થઈ છે. જેમાં મિત્રએ જ પોતાના મિત્રને પ્રેમસંબંધને લઈ મોતને ઘાટ ઉતારી દીધો છે. ઘટના પર નજર કરીએ તો, થોડા દિવસો પહેલા સુરત જિલ્લાના ઉમરપાડાના જંગલમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને જોતા પોલીસને અને પરિવારને શંકા ગઈ હતી, ત્યારે યુવકના મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું. આ પીએમ રિપોર્ટમાં યુવકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું, ત્યારે પીએમ રિપોર્ટ મુજબ ઉમરપાડા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી તપાસ તેજ કરી હતી.
હત્યારા આરોપીને પકડવા માટે પોલીસે મૃતક શૈલેષ ચૌહાણના પત્નીની પૂછપરછ કરી હતી. પત્નીની પૂછપરછ દરમિયાન પત્નીએ મૃતક શૈલેષ ચૌહાણના મિત્ર ઘનશ્યામ સોલંકી ઉપર શંકા વ્યક્ત કરી હતી. પત્નીના નિવેદનને લઈ પોલીસે ઘનશ્યામ સોલંકીની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન સુરત જિલ્લા LCB પોલીસને બાતમી મળી હતી કે, શૈલેષ ચૌહાણની હત્યા કરનાર આરોપી કામરેજના નવી પારડી નજીક બાઈક લઈને ઊભો છે, જે બાતમીના આધારે LCB પોલીસે ઘનશ્યામ સોલંકીની ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન આરોપી ઘનશ્યામ સોલંકીએ મિત્ર શૈલેષ ચૌહાણની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. જેમાં આરોપી મિત્ર પ્રેમસંબંધને લઈને મિત્રની જ હત્યા કરવા મજબૂર બન્યો હતો. જે મૃતક શૈલેષ ચૌહાણ આરોપી ઘનશ્યામ સોલંકીની પત્ની સાથે પ્રેમસંબંધ ધરાવતો હતો. આ પ્રેમસંબંધને લઈ ઘનશ્યામ સોલંકી અને તેની પત્ની સંગીતા સાથે અવાર-નવાર ઝઘડાઓ થતા હતા, ત્યારે આ જ કારણે ઘનશ્યામ અને તેની પત્ની સંગીતા વચ્ચે ઝઘડો થયો હતો, જે ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કરતાં સંગીતા ઘનશ્યામને છોડી વતન જતી રહી હતી. ત્યારબાદ પણ મૃતક શૈલેષ સાથે સંગીતના પ્રેમસંબંધ યથાવત રહ્યા હતા. જોકે, સંગીતા ઘનશ્યામ પાસે પરત આવી ન હતી, ત્યારે શૈલેષ ચૌહાણને રસ્તામાંથી હટાવવા ઘનશ્યામ સોલંકીએ મિત્ર શૈલેષ ચૌહાણને પતાવી દેવાનો કારસો રચ્યો હતો.