સુરત : શ્રમિકો માટે શરૂ કરાયેલી અન્નપૂર્ણા યોજનાના કેબીનો બંધ, સેવા પુનઃ શરૂ કરવા શ્રમિકોની "માંગ"

અન્નપૂર્ણા યોજના બંધ થવાથી શ્રમિકોએ કહ્યું 10 રૂપિયામાં અમારું પેટ ભરાતું હતું હવે ખાવાના પણ ફાંફા પડે છે. કામ ધંધો મળતો નથી

New Update
સુરત : શ્રમિકો માટે શરૂ કરાયેલી અન્નપૂર્ણા યોજનાના કેબીનો બંધ, સેવા પુનઃ શરૂ કરવા શ્રમિકોની "માંગ"

રાજ્યમાં બાંધકામ અને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતાં હજારો શ્રમિકો માટે 10 રૂપિયામાં ભોજન આપવાની યોજના રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવી હતી. પરંતુ કોરોનાના કપરા કાળમાં આ યોજના બંધ કર્યા બાદ આજદિન સુધી આ સેવાઓ બંધ હાલતમાં છે, ત્યારે સુરત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં જ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકો એકત્રિત થતા હોય એ સ્થળે શ્રમિકો માટે શરૂ થયેલ અન્નપૂર્ણા યોજના હેઠળની કેબીનો બંધ હાલતમાં જોવા મળશે, જ્યારે મોંઘવારીમાં પણ કેબીનો શરૂ નહીં થતાં શ્રમિકોમાં રોષ સાથે અન્નપૂર્ણા યોજના પુનઃ શરૂ કરવા માંગ ઉઠી છે.

ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા 18 જુલાઈ 2017ના રોજ શ્રમિકો અને ગરીબો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જોકે, કોરોના મહામારીના કારણે શ્રમિક અન્નપૂર્ણા યોજના છેલ્લા 3 વર્ષથી બંધ હાલતમાં છે. રાજ્યમાં કોરોનાના કેસોમાં ઝડપી ઘટાડો નોંધાયા બાદ રાજ્ય સરકારના શ્રમમંત્રી બ્રિજેશ મેરજાએ આ યોજનાને ફરીથી શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો.

પરંતુ આ નિર્ણયને લેવા 6 મહિના વીતી ગયા તેમ છતાં આજદિન સુધી આ નિર્ણય માત્ર કાગળ પર જ રહ્યો છે. આ યોજના હેઠળ નક્કી કરેલા શહેરોમાં શ્રમિકો કામદારોને માત્ર 10 રૂપિયામાં જ ટિફિન અપાતું હતું. જેમાં દાળ,ભાત,રોટલી, થેપલા, શાક, અથાણું, ચટણી અને લીલા મરચાં અપાતા હતા.

કોરોના કાળથી લઈને આજદિન સુધી આ કાઉન્ટર બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. શ્રમિકો ઘરેથી વહેલી સવારે કામે લાગવાની આશાએ જતા હોય છે. કોઈક વાર કામ મળે અને ક્યારેક કામે લાગ્યા વગર જ ઘરે પાછા ફરતા હોય છે. રોજિંદા કમાવીને ઘરનું ગુજરાન ચલાવતા શ્રમિકો હાલ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે બીજી બાજુ શાકભાજી, ખાદ્ય તેલ અને ગેસના ભાવમાં સતત વધારો નોંધાયો છે. તેવામાં શ્રમિકો માટે આશીર્વાદરૂપ સાબિત થતી અન્નપૂર્ણા યોજના હાલ બંધ હાલતમાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણીને ગણતરીના જ મહિનાઓ બાકી છે, ત્યારે રાજનેતાઓ પ્રજાલક્ષી કાર્યોની જાહેરાતો આપી પોતે કરેલા કામો પ્રજાને સમક્ષ મૂકતા હોય છે. પરંતુ સરકારની આવી અનેક યોજનાઓ છે, જે ટૂંક સમય પુરતી જ લોકો સુધી પહોંચતી હોય છે. સરકારી બાબુઓની ઢીલી નીતિના કારણે યોજનાઓ અટવાય છે, જેની સામે આ એક ઉત્તમ ઉદાહરણ છે.

Latest Stories