/connect-gujarat/media/post_banners/3e69f7d99b383519b37aa25e74b252703a0e443f286ddfa1c9aba456f2ad1bbc.jpg)
સુરત જિલ્લામાં વરસાદ પાછો ખેંચાતા શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ વધ્યો છે. જેના કારણે ઓલપાડ તાલુકાના અનેક ગામોમાં શેરડીના પાન સુકાવા માંડ્યા છે. હજુ વરસાદ લંબાય તો શેરડીનું ઉત્પાદન ઓછું થવાની સાથે ખેડૂતને આર્થિક નુકશાનીનો ભય સતાવી રહ્યો છે.
હવામાનમાં આવી રહેલા ફેર બદલને લઈને છેલ્લા કેટલાક વર્ષથી દક્ષિણ ગુજરાતમાં નિયત સમય કરતાં વરસાદ મોડો થવાનું નોંધાય રહ્યું છે, ત્યારે જૂન માસમાં અનેક જિલ્લાઓમાં સારો વરસાદ વરસ્યા બાદ ઓગસ્ટ માસમાં વરસાદ પાછો ખેંચાતા શેરડીના પાક પર મોટા પ્રમાણમાં સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળ્યો છે. સુરત જીલ્લાના ઓલપાડ તાલુકાના અનેક ગામોમાં આ રોગ એટલી હદે ફેલાયો છે કે, શેરડીના પાન સુકાઈને કાળા પડી ગયા છે. જો હજુ વધારે દિવસ વરસાદ લબાઈ તો શેરડીના પાકમાં થયેલા રોગને લઈ ઉત્પાદન ઉપર માઠી અસર જોવા મળશે. ખેડૂતોના ખેતરોમાં શેરડીના પાકનું ઉત્પાદન ઘટતા તેની સીધી અસર સુગર મિલો ઉપર પણ પડી શકે છે. તો બીજી તરફ, શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ વધતા ખેડૂતો હાલ ચિંતિત થયા છે.
જોકે, શેરડીના પાકમાં સફેદ માખી ટોચના પાન ઉપર હારબંધ મલાઈ રંગના ઈંડા મુકે છે. જે થોડા સમયબાદ ભૂખરા રંગના બને છે. જેમાં બચ્ચાં કાળા, લંબગોળાકાર, ચપટા અને ફરતે સફેદ રંગની મીણની ઝાલરવાળા હોય છે. ઈંડામાંથી નીકળેલ બચ્ચા પાન પર એક જગ્યાએ ચોંટી રસ ચૂસે છે, જેના કારણે પાન પીળા પડે છે. આ કીટકના શરીરમાંથી મધ જેવો ચીકણો પદાર્થ ઝરે છે. જે પાન ઉપર પડતાં તેના પર કાળી ફૂગ થાય છે અને પાન કાળા પડી જાય છે, ત્યારે હાલ તો શેરડીના પાક ઉપર આવેલ વ્હાઇટ ફ્લાય રોગ ખેડૂતોને પાક નષ્ટ કરી રહ્યો છે.