મહારાષ્ટ્ર, ગુજરાત, અને યુપીના અલગ અલગ શહેરોમાં બેન્કના એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા લોકોને ટાર્ગેટ કરી રૂપિયા ઉપાડવામાં મદદ કરવાના બહાને વાતોમાં લઇ તેઓના એટીએમ બદલી તેમજ પાસ વર્ડ બદલી રૂપિયા ઉપાડી લેતી ગેંગને સુરત પોલીસે ઝડપી પાડી છે. પોલીસે આરોપીઓ પાસેથી ૧૯ એટીએમ, ૫ મોબાઈલ અને એક ફોરવ્હીલ ગાડી કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદગામ ક્રિષ્ના નગર સોસાયટીમાં રહેતા અને દવાની દુકાનમાં નોકરી કરતો વિશ્વનાથ રામચંદ્ર મિશ્રા 21મી જુલાઈએ ભેસ્તાન એસબીઆઈના એટીએમમાં 90 હજાર ભરવા ગયો હતો. એટીએમમાં પૈસા ભરવા ગયો ત્યારે બે ઇસમ પાછળ હતા.ગ્રાહકે 90 હજારની રકમ મશીન દ્વારા ખાતામાં જમા કરાવી તે સમયે એક ઠગએ વાતમાં નાખી કેમેરા સામે જોવાનું કહી એટીએમ કાર્ડ બદલી નાખ્યો હતો. ઠગ ટોળકીએ એટીએમ કાર્ડથી પહેલા 10 હજારના 4 ટ્રાન્જેકશનો મળી 40 હજાર પાંડેસરા ખાતેથી ઉપાડી પછી 10,200નું પાંડેસરા દક્ષેશ્વર મંદિર પાસેથી પેટ્રોલપંપ સ્વાઇપ કરાવ્યો ઉપરાંત 1228 રૂપિયા અઠવાલાઇન્સના ઘીરજ સન્સમાંથી ખરીદી કરી હતી.
જયારે 9400 ગેરેજ અને પેટ્રોલપંપ સ્વાઇપ કર્યા તેમજ 9600 રાજેન્દ્ર શાહના ખાતામાં ટ્રાન્સફર કર્યા કરી કુલ 71,428ની રકમ ઉપાડી લીધી હતી. પાંડેસરા પોલીસે વિશ્વનાથ મિશ્રાની ફરિયાદ લઈ ચીટીંગનો ગુનો નોંધી બેંકના એટીએમ,પેટ્રોલપંપ, મોલ સહિતના સીસીટીવી ફૂટેજ મેળવી ઠગોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે આ ઘટનામાં પોલીસે આખી ગેંગ પકડવામાં સફળતા મળી છે.
સુરત શહેર સાયબર ક્રાઈમ સેલ તથા પાંડેસરા પોલીસની ટીમે આ ગેંગના યુપી ખાતે રહેતા તૌફીકખાન ઉર્ફે બબ્બુ મુસ્તકીમ, રીયાઝખાન સીરતાઝખાન, હબીબ નવાબ શેખ અને મોહમ્મદ ઈરફાન મોહમ્મદ મુનીરખાન નામના ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી ૫ મોબાઈલ, એક ફોરવ્હીલ, અલગ અલગ બેંકોના ૧૯ એટીએમ કાર્ડ કબજે કર્યા હતા. પોલીસ તપાસમાં આ ગેંગ મહારાષ્ટ્ર, ગુજરાત, અને યુપીના અલગ અલગ શહેરોમાં બેન્કના અલગ અલગ એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા લોકોને ટાર્ગેટ કરી રૂપિયા ઉપાડવામાં મદદ કરવાના બહાને વાતોમાં લઇ તેઓના એટીએમ બદલી તેમજ પાસ વર્ડ બદલી રૂપિયા ઉપાડી લેતી હોવાનું બહાર આવ્યું હતું.