/connect-gujarat/media/post_banners/d72b8563fa65a539992e37b51d15c075015b08736e0ab2b8f7333b2ab0278ce2.jpg)
સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા કામરેજ ખાતે લોન ધિરાણ માર્ગદર્શન અને લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1300થી વધુ લોકોને સ્થાનિક બેંકો મારફત લોનનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર રાજ્યમાં વ્યાજખોરોના દુષણ સામે પોલીસે ખાસ ઝુંબેશ શરૂ કરી છે, ત્યારે સુરત રેન્જ પોલીસ પણ વ્યાજખોરો સામે સક્રિય બની છે. આવા વ્યાજખોરોથી સાવચેત રહેવા માટે અને બેંકો મારફતે લોન લેવા માટે ગ્રામ્ય પોલીસે નવતર અભિગમ હાથ ધર્યો છે. જેના ભાગરૂપે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા કામરેજ ખાતે લોન ધિરાણ માર્ગદર્શન અને લોન મેળાનું આયોજન કરાયું હતું. જેમાં 1300થી વધુ લોન ધારકોને વિવિધ બેંકો હેઠળ કુલ રૂ. 7 કરોડથી વધુ લોનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર અને DYSP બી.કે.બનાર ઉપસ્થિત રહ્યા હતા. ડાયરી પર બેફામ પૈસા વસુલાત કરતા વ્યાજખોરોની જિલ્લામાં અનેક બુમરાણો ઉઠી છે, ત્યારે આવા વ્યાજખોરોથી નાગરિકોને બચાવવા માટે પોલીસ મેદાને આવી છે. એટલું જ નહીં, આવનારા દિવસોમાં પણ જે તે વ્યક્તિઓને પૈસાની જરૂર પડે, ત્યારે વ્યાજખોરોની ચુંગલમાં નહીં સપડાઈ બેંકો મારફતે જ લોન લેવાનું મુનાસીબ સમજે તેવી જાગૃતિ સભર અપીલ પણ કરવામાં આવી હતી.