વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 29 સપ્ટેમ્બરના રોજ સુરત શહેરની મુલાકાતે આવી રહ્યા છે, સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ નીલગીરી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ સાથે જ તમામ પરિસ્થિતિઓ ઉપર નજર રાખવા પોલીસ વિભાગ સતર્ક થયું છે. સાથે જ વાયુ સેનાના વિશેષ હેલિકોપ્ટરને ગોડાદરા વિસ્તારના મહર્ષિ આસ્તિક શાળાના ગ્રાઉન્ડ ઉપર હેલીપેડ ઉપર ઉતારવામાં આવ્યું હતું. હેલીપેડ ઉપર તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ઉપરાંત હેલીપેડની આસપાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ ખાતે આવી રહ્યા છે, ત્યારે વધુમાં વધુ લોકો સાથે સંપર્ક કરી શકે તે પ્રકારની ભાજપ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, વિશેષ કરીને રોડ શો કરવો કે, કેમ તે અંગે મૂંઝવણ હતી. પરંતુ હવે નિર્ણય લેવાયો છે કે, હેલીપેડથી લિંબાયત જાહેર સભા સ્થળ સુધી 2 કિલોમીટરનો ભવ્ય રોડ શો કરવામાં આવશે. આ રોડ શો માટે ભાજપ સંગઠન દ્વારા વોર્ડ પ્રમાણે જવાબદારી સોંપી દેવામાં આવી છે.