વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 29 સપ્ટેમ્બરના રોજ સુરત શહેરની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે PM મોદીના આગમના પૂર્વે સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ નીલગીરી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ સાથે જ તમામ પરિસ્થિતિઓ ઉપર નજર રાખવા પોલીસ વિભાગ સતર્ક થયું છે. વાયુ સેનાના વિશેષ હેલિકોપ્ટરને રિહર્ષલના ભાગરૂપે ગોડાદરાની મહર્ષિ આસ્તિક શાળાના ગ્રાઉન્ડ ઉપર બનાવાયેલા હેલીપેડ ઉપર ઉતારવામાં આવ્યું હતું. હેલીપેડ ઉપર તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ઉપરાંત હેલીપેડની આસપાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ ખાતેથી સુરત મહાનગરપાલિકાના રૂપિયા 3100 કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના 400 કરોડથી વધુના પ્રોજેક્ટ સામેલ કરવામાં આવ્યા છે. સુરતનો ઐતિહાસિક કિલ્લો, ખોજ લાઈબ્રેરી, ડ્રિમ સીટી અંતર્ગત ડાયમન્ડ બુર્શના ડાયમન્ડ ગેટનું પણ લોકાર્પણ કરાશે. જોકે, વિશેષ કરીને રોડ શો કરવો કે, કેમ તે અંગે મૂંઝવણ હતી. પરંતુ હવે નિર્ણય લેવાયો છે કે, હેલીપેડથી લિંબાયતના જાહેર સભા સ્થળ સુધી 2 કિલોમીટરનો ભવ્ય રોડ શો કરવામાં આવશે. આ રોડ શો માટે ભાજપ સંગઠન દ્વારા વોર્ડ પ્રમાણે જવાબદારી સોંપી દેવામાં આવી છે.