Connect Gujarat
સુરત 

સુરતની બદલાઈ “સૂરત” : સ્વચ્છતા સર્વેક્ષણ-2023માં ઇન્દોરને પાછળ ધકેલી મેળવ્યો પ્રથમ ક્રમ...

દેશના સૌથી સ્વચ્છ શહેરમાં સુરતે બાજી મારી છે. સુરતને સ્વચ્છતા સર્વેક્ષણ-2023માં દેશના સૌથી સ્વચ્છ શહેરોનો એવોર્ડ મળ્યો છે.

X

દેશના સૌથી સ્વચ્છ શહેરમાં સુરતે બાજી મારી છે. સુરતને સ્વચ્છતા સર્વેક્ષણ-2023માં દેશના સૌથી સ્વચ્છ શહેરોનો એવોર્ડ મળ્યો છે. જેમાં અનેક પડકારોની સામે સુરત મહાનગરપાલિકાએ આયોજનબદ્ધ રીતે કામ કરતા આખરે આ સિદ્ધિ હાંસલ કરી છે.

છેલ્લા થોડા સમયથી સુરત મહાનગરપાલિકા દ્વારા દેશભરમાં સ્વચ્છતામાં પ્રથમ નંબર આવવા માટે મથામણ કરવામાં આવી રહી હતી. આ વર્ષે દેશના સ્વચ્છ શહેરોમાં નંબર 1 બનવા સુરત અને ઇન્દોર વચ્ચે જબરજસ્ત ટક્કર હતી. સતત 3 વર્ષથી દેશમાં સ્વચ્છતામાં બીજા નંબરે આવતું સુરત શહેર ગયા વર્ષે માત્ર 221 માર્ક્સથી જ નંબર વનનો ખિતાબ મેળવતા રહી ગયું હતું, ત્યારે આ વર્ષે ઈન્દોરની સાથે સંયુક્ત રીતે નંબર વનનો રેન્ક મેળવવામાં સુરતને સફળતા મળી છે. દિલ્હીમાં યોજાયેલ સ્વચ્છતા સર્વેક્ષણ-2023ના કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સુરતના મેયર અને પાલિકા કમિશનરને સર્ટિફિકેટ્સ તેમજ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ વખતે સુરત મહાનગરપાલિકાએ ટીમવર્ક બતાવ્યું અને એકસાથે પ્રયત્નો કરી પોતે સિદ્ધિ હાંસલ કરી છે. આ અંગે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, વર્ષો પહેલા ગંદકીના સામ્રાજ્યના કારણે સુરત બદનામ હતું. એના બદલે છેલ્લા કેટલાક વર્ષોથી સુરત સ્વચ્છતામાં બીજા નંબરે આવતું હતું. ખૂબ પ્રયાસો કરવા છતાં બીજો નંબર આવતો હોવાથી અફસોસ પણ થતો હતો, જ્યારે હવે સ્વચ્છતા સર્વેક્ષણ-2023માં દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં સુરતને એવોર્ડ મળ્યો છે તે બદલ ગર્વની લાગણી અનુભવી રહ્યો છું.

તો બીજી તરફ, સુરતનો નંબર આવતા ગર્વ વ્યક્ત કરતાં મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાએ શહેરને સ્વચ્છ રાખવા માટે કમર કસી હતી. શહેરીજનોને વારંવાર અપીલ કરવામાં આવી હતી કે, સ્વચ્છતામાં તેઓ પોતાનો સહયોગ આપે અને અમારી આખેઆખી ટીમ કામે લાગી ગઈ હતી. જોકે, સુરત ઔદ્યોગિક નગર હોવાના કારણે અનેક પડકારો પણ હતા. સુરતમાં વસ્તીની ગીચતા પણ ખૂબ મોટા પ્રમાણમાં છે, અને દિવસેને દિવસે તેનો વ્યાપ પણ વધી રહ્યો છે. તેવામાં પાલિકાના નાનામાં નાના કર્મચારીથી લઈને તમામ નાગરિકોનો સહયોગ મળ્યો છે. જેથી આ રેન્કના સુરતવાસીઓ હક્કદાર બન્યા છે. સાથે જ મેયરે આ રીતે નંબર મેળવતા રહેવા તથા નંબર વનને યથાવત રાખવા માટેની તૈયારી પણ દર્શાવી હતી, જ્યારે તમામ હોદ્દેદારોએ એકબીજાને મીઠાઈ ખવડાવી પોતાની લાગણી વ્યક્ત કરી હતી.

Next Story