પાંડેસરા વિસ્તારમાંથી સામે આવી અપહરણની ઘટના
નિ:સંતાન પાડોશીએ 6 વર્ષના બાળકનું અપહરણ કર્યું
પાણીપુરી ખવડાવવાના બહાને કર્યું અપહરણ : પોલીસ
યુપી લઈ જઈ બાળકને ઉછેરવાનો આરોપીનો ઈરાદો
ઉત્તરપ્રદેશ ભાગે તે પહેલાં જ પોલીસના હાથે ઝડપાયો
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં 6 વર્ષના માસૂમ બાળકનું અપહરણ કરાયાની ઘટનાએ ચકચાર મચાવી હતી. પાંડેસરાની ઉજેરીયા સાજન નિષાદએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમનો 6 વર્ષનો દીકરો અરુણ ગુમ છે. અરુણની મોટી બહેન અંકિતાએ જણાવ્યું હતું કે, સાંજે 5 વાગ્યે તેઓ બહાર રમી રહ્યા હતા, ત્યારે તેમના પાડોશી સોનુ ઉર્ફે બહાદુર પ્રભુ ગૌડ અને અન્ય એક વ્યક્તિ પવન પાસે આવ્યા હતા. જેમાં સોનુ અરુણને પાણીપુરી ખવડાવવાના બહાને પોતાની સાથે લઈ ગયો હતો, અને ત્યારથી તે પાછો ફર્યો ન હતો. સોનુ અને બાળકને આસપાસના વિસ્તારમાં ઘણી શોધખોળ કરવા છતાં કંઈ પત્તો લાગ્યો ન હતો.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાંડેસરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે શહેરના ક્રાઇમ બ્રાન્ચ અને મહિધરપુરા પોલીસ સ્ટેશનની ટીમો સાથે મળીને આરોપીની શોધખોળ શરૂ કરી. આ દરમિયાન પોલીસને બાતમી મળી કે, આરોપી બાળકને લઈને રેલવે મારફતે તેના વતન જવાનો છે, તારે તુરંત જ પોલીસની ટીમોએ સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર દરેક પ્લેટફોર્મ અને તેની આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી. પોલીસની આ સતર્કતાને કારણે આરોપી સોનુ ઉર્ફે બહાદુર ગૌડને રેલવે સ્ટેશન સામેથી જ બાળક સાથે પકડી પાડવામાં આવ્યો હતો.
પોલીસની સમયસરની કાર્યવાહીને કારણે આ માસૂમ બાળક મોટા અનિષ્ટનો ભોગ બનતા બચી ગયો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, આરોપી સોનુ ગૌડના લગ્ન થઈ ગયા છે. પરંતુ તેને કોઈ સંતાન નથી, જ્યારે તેની પત્ની ઉત્તર પ્રદેશના મહારાજગંજ ખાતે રહે છે. પોલીસે શંકા વ્યક્ત કરી છે કે, સંતાન ન હોવાના કારણે જ આરોપીએ બાળકનું અપહરણ કર્યું હતું, અને તેને યુપી લઈ જઈને ઉછેરવાનો તેનો ઈરાદો હતો.