Connect Gujarat
સુરત 

સુરત: કાપડ ઉદ્યોગ સામે ફરી એક વખત સંકટ ઊભું થયું; જાણો શું છે કારણ

કેમિકલ, કોલસાના ભાવમાં સતત વધારો, 100 જેટલા પ્રોસેસર્સ હાઉસ બંધ થવાની કગાર પર.

X

સુરતના કાપડ ઉદ્યોગ સામે ફરી એક વખત સંકટ ઊભું થયું છે. કેમિકલ અને કોલસાના સતત વધી રહેલા ભાવના પગલે 80 થી 100 જેટલા પ્રોસેસર્સ હાઉસ બંધ થવાની કગાર પર છે. જો દિવાળી સુધીમાં પરિસ્થિતિ નહીં સુધરે તો 300 થી વધુ પ્રોસેસર્સ હાઉસ સામે સૌથી મોટું સંકટ ઊભું થઈ શકે તેમ છે.

સુરતના કાપડ ઉદ્યોગના 43 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત કેમિકલ અને કોલસાના સતત વધતા ભાવોએ ઉદ્યોગોને બંધ કરવા સુધીની સ્થિતિએ લાવી મુક્યા છે. દેશ- દુનિયામાં ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગ તરીકે જાણીતા સુરતના ઉદ્યોગોની સ્થિતિ કફોડી બની છે.

કેમિકલ અને કોલસાના ભાવોમાં થઈ રહેલા સતત ભાવ વધારાના કારણે વેપારીઓની ચિંતામાં વધારો થયો છે. સુરતમાં અંદાજે 350 જેટલા ટેકસ્ટાઈલ્સ પ્રોસેસર્સ હાઉસ આવેલ છે. જે પ્રોસેસર્સ હાઉસની હાલત હાલની સ્થિતિએ ખૂબ જ વિકટ બની છે. સુરતના ટેકસ્ટાઈલ્સ કાપડ ઉદ્યોગથી અંદાજિત 13 લાખ કારીગરો રોજગારી મેળવી રહ્યા છે.

જોકે કેમિકલ અને કોલસાના ભાવોમાં થઈ રહેલા સતત ભાવ વધારાએ સૌ કોઈને ચિંતામાં મૂકી દીધા છે. સુરત ગુજરાત ટેકસ્ટાઈલ્સ પ્રોસેસર્સ એસોસિયેશનના પ્રમુખ જીતુ વખારીયાના જણાવ્યાનુસાર ટેકસ્ટાઈલ્સ માર્કેટની સ્થિતિ હાલ થોડી સારી છે. પરંતું વિવિંગ અને પ્રોસેસર્સ હાઉસની હાલત છેલ્લા 43 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત કફોડી થવા પામી છે.

છ માસ અગાઉ કોલસાનો ભાવ 4500 થી 5500 રૂપિયા પ્રતિ ટન હતો. જે વધીને 8500 થી 9000 રૂપિયા જેટલો થઈ ગયો હતો. જ્યાં બે માસ અગાઉ ટેકસ્ટાઈલ્સ પ્રોસેસર્સ દ્વારા મિટિંગ કરી જોબવર્ક પર રૂપિયા એકનો વધારો કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ હાલ ફરી એક વખત કોલસાના ભાવમાં વધારો થયો છે.

કોલસાનો ભાવ 11500 થી વધી 11650 રૂપિયાની સપાટીએ પોહચ્યો છે. આવા સંજોગોમાં પ્રોસેસિંગ હાઉસ ચલાવવામાં આવે તો પણ ઉદ્યોગો સરભર થઈ શકે તેમ નથી. જો દિવાળી સુધીમાં સુરતના ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગોની પરિસ્થિતિ નહિ સુધરે તો સ્થિતિ અંદાજીત 100 જેટલા ઉદ્યોગોને તાળા લાગવાની નોબત પડી શકે છે.જેની સાથે કારીગરોની રોજગરીનો પ્રશ્ન પણ હાલ ઉભો છે.

Next Story