/connect-gujarat/media/post_banners/d4d32fe9e51e267b110c5da6cc32baf6b580810b1206556349c854c57d826c29.jpg)
સુરત શહેરના અનેક ઝોન અને વિસ્તારમાં ડોર ટુ ડોર ગારબેજની અપાતી સેવા સામે ફરિયાદો ઉઠી છે. જેમાં અઠવાડીયામાં માત્ર 2 વખત કચરો લેવા માટે વાહન આવતું હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે. સુરતના ઉધના અને લીંબયાત ઝોનમાં ડોર ટુ ડોર ગારબેજના વાહનો માત્ર 2 કે, 3 દિવસ કચરો ઉઘરાવવા માટે આવતા હોવાથી સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સમગ્ર મામલે સ્થાનિક કોર્પોરેટરો દ્વારા પાલિકા કચેરીમાં ઇજારદાર વિરુદ્ધ ફરિયાદનો ઢગલો ઠાલવવામાં આવ્યો છે.
જોકે, અઠવાડિયામાં માંડ બે-ત્રણ વખત ઇજારદાર દ્વારા કચરો એકત્ર કરાતો હોવાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સાથે જ આરોગ્ય કમિટીની સંકલન બેઠકમાં પણ આ મામલે ફરિયાદો સામે આવી હતી, ત્યારે ડોર ટુ ડોર ગારબેજ કલેક્શનના ઇજારદાર ઓમ સ્વચ્છતા કોર્પોરેશન વિરુદ્ધ આરોગ્ય કમિટીના ચેરમેન દર્શીની કોઠીયાને કરાઈ ફરિયાદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ ફરિયાદના પગલે નાયબ આરોગ્ય કમિશ્નરને આરોગ્ય કમિટીના ચેરમેને લેખિતમાં બેદરકારી બદલ ઇજારદાર સામે તાત્કાલિક શિક્ષાત્મક પગલાં લેવા પણ સૂચન કર્યું છે.