કાપડનગરી સુરતમાં બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો પહેલો દરબાર યોજાવા જઈ રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે
બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગઈકાલથી ગુજરાતમાં ધામા નાખ્યા છે. આગામી 10 દિવસ સુધી તેઓ ગુજરાતના અલગ અલગ શહેરોમાં દિવ્ય દરબાર અને કથા કરશે. ત્યારે આજે સુરતમાં નીલગીરી ગ્રાઉન્ડ ખાતે બાબાનો પહેલો દિવ્ય દરબાર લાગશે, જેમાં 2 લાખથી વધુ લોકો ઊમટી પડશે. આયોજકો દ્વારા દિવ્ય દરબારની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. બીજી તરફ, કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે એ માટે પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. એમાં 2 ડીસીપી, 4 એસીપી, 14 પીઆઈ, 30 પીએસઆઈ કક્ષાના અધિકારીઓ અને હોમગાર્ડઝ તહેનાત છે. નોંધનીય છે કે સુરતના અબ્રામા વિસ્તારમાં આવેલા ગોપીનફાર્મમાં બાબાના રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે બાબાનાં દર્શન કરવા માટે ભક્તો અધીરા બન્યા હતા. હાલ ધોમધખતા તાપમાં ગોપીનફાર્મની બહાર સમર્થકો અને ભક્તોની કતારબંધ લાઈન લાગી છે.