Connect Gujarat
સુરત 

સુરત : રૂપિયા ડબલ કરવાની લ્હાયમાં ડિંડોલીનો યુવક છેતરાયો, પોલીસ મથકે નોંધાવી ફરિયાદ..

આર.ઇ. ગોલ્ડ કંપનીમાં રોકાણના નામે મૂક્યા હતા રૂપિયા રૂપિયા મેળવવા જતાં યુવકને ખાવા પડ્યા વારંવાર ધક્કા

X

મિત્રો, "એક કા ડબલ" વાક્ય સાંભળતાની સાથે જ આપણને ફિલ્મ હેરાફેરીનો એ સીન યાદ આવી જાય છે. જેમાં રૂપિયા ડબલ કરવાની લાલચમાં ખેલાયેલો ખેલ કલકારોને ભારે પડી જાય છે, ત્યારે આવો જ એક કિસ્સો સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતા પ્રહલાદ પાટીલ સાથે બન્યો છે. જમીન લે-વેચનું કામ કરતાં પ્રહલાદ પાટીલને તેના મિત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, ડિંડોલીમાં રામીપાર્ક પાસે આવેલ રીઝન પ્લાઝામાં અજય કટારીયાએ આર.ઇ. ગોલ્ડ નામની કંપની શરૂ કરી છે.

તેમાં રોકાણ કરવાથી સારો એવો નફો મળશે આથી માત્ર રૂપિયા 26,400 રોકવાથી 3 મહિનામાં 80 હજાર રૂપિયા મળશે એવી વાત કરી હતી, ત્યારે પ્રહલાદ કંપનીની ઓફિસમાં જઈને અજય કટારિયાને મળતા તેણે સ્કીમ સમજાવી હતી. જોકે, પ્રહલાદ પાટીલે રકમ જમા કરાવી હતી અને 3 મહિના બાદ આર.ઇ. ગોલ્ડ કંપનીમાં રૂપિયા લેવા જતા અજય કટારીયા મળ્યો ન હતો, ત્યારે ત્યાં નોકરી કરતા કર્મચારીઓએ જણાવ્યુ હતું કે, અજય કટારીયા ઓફિસે નથી આવતો અને હાલમાં રૂપિયા પરત આપવાનું પણ બંધ છે. પ્રહલાદની જેમ અન્ય લોકોએ પણ રોકાણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે અને તેઓને પણ કંપની તરફથી કોઈ રકમ પરત મળી નથી, ત્યારે સમગ્ર મામલે પ્રહલાદ પાટીલે અજય કટારીયા વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Next Story