અડાજણ-પાલ ગામ નજીક બની આગની ઘટના
મહિન્દ્રા શો-રૂમના વર્કશોપમાં ફાટી નીકળી આગ
ફાટી નીકળતા એક કાર બળીને ખાખ થઈ ગઈ
બનાવના પગલે ફાયર ફાઇટરો ઘટનાસ્થળે દોડ્યા
સદનસીબે આગની ઘટનામાં મોટી જાનહાનિ ટળી
સુરત શહેરના અડાજણ-પાલ ગામ નજીક આવેલ મહિન્દ્રા શો-રૂમના વર્કશોપમાં અચાનક આગ ફાટી નીકળતા એક કાર બળીને ખાખ થઈ ગઈ હતી.
મળતી માહિતી અનુસાર, સુરત શહેરના અડાજણ-પાલ ગામના ગૌરવપથ રોડ વિસ્તારમાં આવેલ મહિન્દ્રા કારના શો-રૂમના વર્કશોપમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
બનાવના પગલે શો-રૂમ સંચાલકો સહિતના કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. જોકે, વર્કશોપમાં રહેલી એક કારમાં આગ લાગતા કાર બળીને ખાખ થઈ ગઈ હતી. તો બીજી તરફ, બનાવની જાણ થતાં જ ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
જ્યાં પાણીનો મારો ચલાવી કારમાં લાગેલી આગને કાબુમાં લેવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ જો આગ વધુ પ્રસરી હોત તો, દશેરા નિમિત્તે બુક કરાયેલી કાર મોટી સંખ્યામાં શો-રૂમમાં હતી, જેને પણ મોટું નુકશાન થવાની શક્યતા શો-રૂમ સંચાલકોએ વ્યક્ત કરી હતી.