-
કાપોદ્રામાં અસામાજિક તત્વોનો આતંક
-
17 વર્ષીય યુવકની ચપ્પુના ઘા મારીને કરી હત્યા
-
નશેડીને નશા માટે રૂપિયા ન આપતા કરી હત્યા
-
લોકોનો કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે જમાવડો
-
પોલીસ સ્ટેશન ખાતે પરિવારનો કલ્પાંત
-
કાપોદ્રા પોલીસે હત્યારાની કરી ધરપકડ
સુરત કાપોદ્રામાં નશેડીએ નશા માટે એક રાહદારી 17 વર્ષીય સગીર પાસે રૂપિયા માંગ્યા હતા,પરંતુ યુવકે ઇન્કાર કરતા નશેડીએ તેને ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો,અને એક રિક્ષા ચાલક પર પણ ચપ્પુ વડે હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે,ઘટના બાદ કાયદો વ્યવસ્થા કથળી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.અને સ્થનિકોએ પોલીસ મથકનો ઘેરાવો કરતા મામલો તંગ બન્યો હતો.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં અસામાજિક તત્વના આતંકે યુવકનો જીવ લીધો છે.રત્ન કલાકાર તરીકે કામ કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરતા એક 17 વર્ષીય સગીર અને ચાર બહેનોના એકના એક ભાઈને નશેડીએ રસ્તા પર ચપ્પુના ઘા મારીને મારીને હત્યા કરી હતી.જાણવા મળ્યા મુજબ નશેડીએ નશો કરવા માટે મૃતક સગીર પાસે પૈસા માંગ્યા પરંતુ તેને આપવાનો ઈન્કાર કર્યો હતો. આ નશાખોર આટલેથી નહોતો અટક્યો તેને આગળ જઈને રિક્ષાચાલકને પણ ક્યાંક મુકી જવા જણાવ્યું પરંતુ તેને ઈન્કાર કરતા તેને પણ ચપ્પુના ઘા મારી દીધા હતા. હાલ રિક્ષાચાલક પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અને દાનવ બનેલા આરોપી પ્રભુની પોલીસે ધરપકડ કરી લીધી છે.
ઘટનાને પગલે સમગ્ર કાપોદ્રામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. લોકોમાં આક્રોશ ફેલાતા પોલીસ મથકનો ઘેરાવો કર્યો હતો. મોડી રાત્રે પરિસ્થિતિ તંગ બનતા પાંચ પોલીસ સ્ટેશનની પોલીસને બોલાવી લેવાઈ હતી અને પોલીસ સ્ટેશનના ગેટને લોક મારવું પડ્યું હતું. બાદમાં માંડ માંડ મોડી રાત્રે 2 વાગ્યે સમગ્ર મામલો થાળે પડ્યો હતો.