રાજકારણના બે અલગ ફાટા એક સાથે જોવા મળ્યા
સમૂહલગ્નમાં ભાજપ-આપના નેતાઓ વચ્ચે જામી ગહન ચર્ચા
રામાયણ ફાર્મમાં રાદડિયા અને ઇટાલિયાનું અનોખું મિલન
વિરોધ ભૂલીને હસતા મુખે વાતો કરતા નજરે પડ્યા
મુલાકાતે સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા જગાવી
સુરતમાં રાજકીય મિલાપ ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.ભાજપ નેતા જયેશ રાદડિયા અને આપ નેતા ગોપાલ ઇટાલિયા એક જ સોફા પર વાતો કરતા નજરે પડ્યા હતા.સમૂહ લગ્નના પ્રસંગે બંને વચ્ચે જામેલી આ મુલાકાત હાલ સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા જગાવી રહી છે.
સુરતના રાજકારણમાં ફરી એકવાર મોટી હલચલ જોવા મળી છે.પુણાગામથી વલથાણ રોડ પર આવેલા રામાયણ ફાર્મ ખાતે આયોજિત સમૂહ લગ્નોત્સવમાં કંઈક એવા દ્રશ્યો જોવા મળ્યા જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે. વિદ્યા વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત 141 દીકરીઓના લગ્ન પ્રસંગે ભાજપના દિગ્ગજ નેતા જયેશ રાદડિયા અને આપના નેતા ગોપાલ ઇટાલિયા એક જ મંચ પર સાથે જોવા મળ્યા હતા.
મહત્વની વાત એ છે કે, સ્ટેજ પર પ્રોટોકોલ મુજબ ખુરશીઓ તો અલગ હતી, પરંતુ બંને નેતાઓ વચ્ચેની કેમિસ્ટ્રી કંઈક અલગ જ જોવા મળીહતી . સ્ટેજ પર એસપી સ્વામીની હાજરીમાં જયેશ રાદડિયા અને ગોપાલ ઇટાલિયા હસતા-હસતા વાતો કરતા કેમેરામાં કેદ થયા હતા. એટલું જ નહીં, સન્માન બાદ બંને નેતાઓ એક જ સોફા પર બેસીને લાંબો સમય સુધી ખાનગીમાં ગુફ્તગુ કરતા જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા પણ આ બંને નેતાઓ એકબીજાને ભેટીને વાતચીત કરતા નજરે પડ્યા હતા. ત્યારે ફરી એકવાર સુરતના આંગણે બંને નેતાઓનું આ રીતે એક સાથે જોવા મળવું રાજકીય વિશ્લેષકો માટે ચર્ચાનો વિષય બન્યો છે.