Connect Gujarat
સુરત 

સુરત : કતારગામની ગજેરા સ્કુલને બે દિવસ માટે બંધ કરાય, એક બેન્ચીસ પર ત્રણ છાત્રોને બેસાડયાં

કતારગામની ગજેરા સ્કુલ આવી વિવાદ, ધોરણ- 6 થી 8ના છાત્રોને બોલાવાયા શાળાએ.

X

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ગજેરા સ્કુલમાં સોશિયલ ડીસ્ટન્સીંગના નિયમોનો ભંગ થતાં હોય તેવા વિડીયો વાયરલ થતાં હોબાળો મચી ગયો છે. ઘટના બાદ પોલીસ અને મનપાનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો. પ્રથમ દ્રષ્ટિએ જ શાળા સંચાલકોની ભુલ જણાતાં શાળાને બે દિવસ માટે બંધ કરાવી દેવામાં આવી છે તેમજ સંચાલકોને નોટીસ આપવામાં આવી છે.

રાજય સરકારે ધોરણ 6 થી 8 વર્ગો શરૂ કરવાની મંજુરી આપી ન હોવા છતાં સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ગજેરા સ્કુલમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરાયું હોવાનો વિડીયો વાયરલ થયો હતો. ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને શાળામાં બોલાવી એક બેન્ચીસ પર 3 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યાં હતાં. ગજેરા હાઇસ્કુલમાં બનેલી ઘટનાનો વિડીયો વાયરલ થતાં કોંગ્રેસના આગેવાનો શાળાએ પહોંચ્યાં હતાં. આગેવાનોએ જણાવ્યું હતું કે, નોટબુક બતાવવાના બહાને વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવવા તેમને શાળાએ બોલાવવામાં આવ્યાં છે. ધોરણ 6 થી 8 વર્ગો શરૂ કરવા સરકારે હજી મંજુરી આપી નથી ત્યારે શાળા સંચાલકો સરકારની પણ ઉપરવટ જઇ રહયાં છે.

ગત વર્ષે કોરોનાની મહામારી ફેલાયા બાદ શૈક્ષણિક ક્ષેત્ર માઠી રીતે પ્રભાવિત થયું છે. એક વર્ષ બાદ પણ શિક્ષણની ગાડી હજી પાટા પર આવી નથી. શાળાઓમાં હજી ધોરણ 6 થી 8ના વર્ગો હજી પણ બંધ છે. ગજેરા સ્કુલમાં કોવીડની ગાઇડલાઇનનો ભંગ થતો હોવાથી પોલીસ અને મહાનગરપાલિકામાં જાણ કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના અધિકારી કનુભાઇએ જણાવ્યું હતું કે, શાળાને તાત્કાલિક અસરથી બે દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત શાળાને નોટીસ આપવામાં આવી છે અને જો નોટીસનો યોગ્ય જવાબ નહિ મળે તો દંડનીય કાર્યવાહી કરાશે.

Next Story