/connect-gujarat/media/post_banners/50a7faad5bd6432a9b558d35b7ff93ffd6a2859b00b25529c6a5d2cd16f65a7f.webp)
સુરત ગ્રામ્ય એલસીબી પોલીસ ટીમે ચોક્કસ બાતમીના આધારે ટેમ્પોમાં ચોરખાનું બનાવી કાપડના ટાંકાની આડમાં લઈ જવાતો મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી લીધો હતો, અને પોલીસે વિદેશી દારૂ, બિયર, ટેમ્પો સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરત ગ્રામ્ય એલસીબી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી કે, સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે પરથી એક ટાટા ટેમ્પો જેઓનો નંબર PB -03-BK-6069 છે જેમાં એક ઇસમ ચોરખાનું બનાવી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી કામરેજ તરફ જનાર છે, ત્યારે ચોક્કસ બાતમીના આધારે એલસીબી ટીમએ કડોદરા ચારરસ્તા નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વાળો ટેમ્પો આવતાં પોલીસે ટેમ્પો ઊભો રાખ્યો હતો, અને ટેમ્પાની તપાસ કરતા બાતમી મુજબ ટેમ્પામાં કાપડના ટાંકા ભર્યા હતા.
જે કાપડના ટાંકા હટાવતા લોખંડની પ્લેટ ગોઠવી બનાવેલું ચોરખાનું મળી આવ્યું હતું. જે ચોરખાનું ખોલી ચેક કરતાં તેમાંથી પોલીસને મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો, પોલીસે હાલ એક આરોપીની અટક કરી દારૂ ક્યાંથી આવ્યો અને ક્યાં જઈ રહ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરી હતી. સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે 11076 બિયર અને વિદેશી દારૂની બોટલો, મોબાઈલ, રોકડા, ટાટા ટેમ્પો, ટેમ્પામાં ભરેલ ઇન્વોઇસ બિલ મુજબનો સામાન સહિતનો મુદ્દામાલ હાલ જપ્ત કર્યો હતો, અને પૂનમારામ ધોકલારામ બિસ્નોઈની અટક કરી, આ ગુનામાં સંડોવાયેલા અન્ય ઇસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.