મહારાષ્ટ્રની 'પારધી ગેંગ'નો પોલીસે કર્યો પર્દાફાશ
ઇન્સ્ટાગ્રામની મદદથી 'પારધી ગેંગ' ઝડપી લેવાય
ગેંગના સભ્યો સગીર બાળકીઓ પાસે કરાવતા ચોરી
રેલવેની લિફ્ટમાં 15 લાખના દાગીના કરી હતી ચોરી
ગેંગને દબોચી લઈ રૂ. 15.30 લાખનો મુદ્દામાલ રિકવર
ગત તા. 16 નવેમ્બર-2025’ના રોજ રાજસ્થાનના સમદડીથી ગંગાનગર-દાદર એક્સપ્રેસમાં મુસાફરી કરી વૃદ્ધ દંપતી સુરત આવ્યા હતા, જ્યાં પ્લેટફોર્મ નં. 2 પર ટ્રેનમાંથી ઉતરી જ્યારે તેઓ લિફ્ટમાં ચડી રહ્યા હતા, ત્યારે ભીડનો લાભ લઈ 2 બાળકીઓએ વૃદ્ધાના પર્સમાંથી સોનાના દાગીના ભરેલું નાનું પર્સ ચોરી લીધું હતું. આ પર્સમાં મંગળસૂત્ર, ચેઈન, બંગડીઓ અને વીંટી મળી રૂ. 15.60 લાખની કિંમતના દાગીના હતા. ચોરીની ફરિયાદ બાદ રેલવે LCB અને સુરત રેલવે પોલીસે તપાસ શરૂ કરી હતી.
CCTV ફૂટેજમાં 2 સગીર બાળકીઓ દાગીના ચોરતી અને ત્યારબાદ એક સ્ત્રી-પુરુષ સાથે સ્ટેશનની બહાર જતી જોવા મળી હતી. સમગ્ર તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ પરિવાર પાંડેસરા વિસ્તારમાં ઝૂંપડું બાંધીને રહેતો હતો, પરંતુ ગુનાના દિવસે જ તેઓ ત્યાંથી ગાયબ થઈ ગયા હતા. પોલીસને તપાસમાં એક શકમંદનું ઇન્સ્ટાગ્રામ ID મળી આવ્યું હતું. ટેકનિકલ સેલના ASI દ્વારા આ આઈડીના IP એડ્રેસ ટ્રેક કરવામાં આવ્યા, જેનાથી આરોપીનો નવો મોબાઈલ નંબર હાથ લાગ્યો હતો.
આ ટેકનિકલ મદદથી પોલીસને જાણવા મળ્યું કે, ગેંગ હાલ મહારાષ્ટ્રના અમરાવતીમાં છે. જોકે, ટેકનિકલ સર્વેલન્સ હેઠળ રહેલા આરોપીઓ જેવો ફરી સુરત પહોંચ્યા, કે તુરંત જ LCBની ટીમે વોચ ગોઠવી સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. 1ના પાર્કિંગ પાસેથી દંપતી અને 4 બાળકીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓએ ચોરીના દાગીના અમરાવતીના વેપારી પવન મહેશજી ભિંડાને વેચ્યા હોવાનું સામે આવતા પોલીસે અમરાવતી જઈ વેપારીની ધરપકડ કરી હતી.
વેપારીએ દાગીના ઓગાળી નાખ્યા હતા, જેમાંથી તૈયાર કરેલી 109.800 ગ્રામ સોનાની લગડી પોલીસે જપ્ત કરી છે. હાલમાં કોર્ટે આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ તપાસ કરી રહી છે કે, આ ગેંગે અન્ય કેટલા રાજ્યો કે, શહેરોમાં આ પ્રકારે બાળકોનો ઉપયોગ કરી ગુના આચર્યા છે.