સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીનીઓ પ્રવેશથી વંચિત છે. પાંડેસરાની સુમન હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓ વલખા મારી રહ્યા છે. વિદ્યાર્થીઓ પ્રવેશની માંગને લઈને હાથમાં બેનરો લઇ જિલ્લા કલેકટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા.
સુરત મહાનગરપાલિકા સંચાલિત શહેરમાં ઘણી બધી સુમન હાઈસ્કૂલ આવેલી છે. ચાલુ શૈક્ષણિક વર્ષ દરમ્યાન બીજી 5 નવી શાળાઓ શરૂ થનાર છે. જેમાં ધોરણ 9થી 12 સુધી અભ્યાસ પૂરો પાડવામાં આવે છે. કુલ 23 સુમન શાળાઓના ધોરણ 9ના 90 વર્ગખંડમાં વિદ્યાર્થીઓને મેરીટના આધારે પ્રવેશ આપવાની કામગીરી પૂર્ણ થઈ છે. પાંડેસરા ખાતે સુમન હાઈસ્કૂલ 14માં ધોરણ 9માં 79.74 ટકા સુધીના 325 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. જોકે, આ ટકાવારી નીચેના વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે.
પ્રવેશ નહીં મળતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા મહાનગરપાલિકાના મેયર અને સુમન સેલના વહીવટી અધિકારીને આ મામલે રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં તેનું નિવારણ નહીં આવતા વિદ્યાર્થીનીઓ સહિત વાલીઓ હાથમાં બેનરો લઇ જિલ્લા કલેકટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા.