-
કાપોદ્રામાંથી સામે આવ્યો છે અસામાજિક તત્વનો આતંક
-
પરિવારનો આધાર 17 વર્ષીય યુવકની હત્યાનો મામલો
-
નશા માટે રૂપિયા ન આપતા યુવકને માર્યા ચપ્પુના ઘા
-
કાપોદ્રા પોલીસે હત્યારા આરોપીનું જાહેરમાં સરઘસ કાઢ્યું
-
પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કર્યું
સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 17 વર્ષીય કિશોરની હત્યા કરનાર આરોપીનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢી સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કર્યું હતું.
સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં નશેડીએ નશા માટે એક રાહદારી 17 વર્ષીય સગીર પાસે રૂપિયા માંગ્યા હતા. પરંતુ યુવકે ઇન્કાર કરતા નશેડીએ તેને ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. રત્ન કલાકાર તરીકે કામ કરી પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરતા 17 વર્ષીય સગીર અને 4 બહેનોના એકના એક ભાઈને નશેડીએ રસ્તા પર ચપ્પુના ઘા મારીને રહેંસી નાખ્યો હતો.
ઘટનાના પગલે સમગ્ર કાપોદ્રામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાય હતી. લોકોમાં આક્રોશ ફેલાતા પોલીસ મથકનો ઘેરાવો કરતા પરિસ્થિતિ તંગ બની હતી. જોકે, બનાવની ગંભીરતા જોતાં કાપોદ્રા પોલીસે હત્યારા આરોપી પ્રભુ મદ્રાસીની ધરપકડ કરી હતી.
ઘટના બાદ લોકોમાં રહેલા રોષને લઈને પોલીસે આરોપી પ્રભુ મદ્રાસીનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. જેમાં આરોપીને સાથે રાખી ઘટના સ્થળે લઈ જઈ પોલીસે સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કર્યું હતું. આરોપીએ જાહેરમાં લોકો સમક્ષ માફી પણ માંગી હતી.