દિલ્હી કાર બોમ્બ વિસ્ફોટની ઘટના બાદ ઠેર ઠેર સઘન ચેકિંગ
રાંદેર વિસ્તારમાંથી બિનવારસી બેગ મળી આવતા અફરાતફરી
બૉમ્બ સ્કોર્ડ-પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી
બેગમાં કોઈપણ શંકાસ્પદ વસ્તુ નહીં હોવાથી લોકોમાં રાહત
અફવાઓથી દૂર રહેવા માટે પોલીસની લોકોને ખાસ અપીલ
દિલ્હી કાર બોમ્બ વિસ્ફોટની ઘટના બાદ ઠેર ઠેર સઘન ચેકિંગ વચ્ચે સુરત શહેરના રાંદેર વિસ્તારમાંથી બિનવારસી બેગ મળી આવતા બૉમ્બ સ્કોર્ડ સહિત પોલીસ તંત્ર દોડતું થયું હતું.
ગત તા. 10 નવેમ્બર-2025’ના રોજ દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક થયેલા કાર બોમ્બ વિસ્ફોટના પગલે દેશ સહિત ગુજરાતભરમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે સુરત જિલ્લા પોલીસ પણ તપાસકાર્યમાં જોતરાઈ છે. તેવામાં રાંદેર વિસ્તારમાં આવેલ મુખ્ય માર્ગ પર ગણપતિ મંદિર નજીક બિનવારસી બેગ મળી આવી હતી.
બેગમાં કોઈ શંકાસ્પદ વસ્તુ હોવાની અફવા ફેલાતા પોલીસ સહિત બૉમ્બ સ્કોર્ડ ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં બૉમ્બ સ્કોર્ડ દ્વારા બેગની તપાસ કરતાં બેગ ખાલી હોવાનું સામે આવ્યું હતું. જોકે, બિનવારસી મળેલી બેગમાં કોઈપણ શંકાસ્પદ વસ્તુ ન હોવાથી સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. તો બીજી તરફ, અફવાઓથી દૂર રહેવા માટે પોલીસે લોકોને ખાસ અપીલ કરી છે.