Connect Gujarat
સુરત 

સુરત : એમ્બ્રોઈડરીના કારીગરો પાસેથી પોલીસે દંડ વસુલતા આરોગ્યમંત્રી કુમાર કાનાણી અકળાયાં

સામાનના પોટલા લઇ જતાં વાહનચાલકોને પોલીસ અટકાવે છે, આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ ડીસીપીને લખ્યો પત્ર

X

સુરતમાં એમ્બ્રોઇડરીનો સામાન લઇ જતાં સ્કુટર કે મોપેડ ચાલકોને રોકી પોલીસ દંડની વસુલાત કરતી હોવાની ફરિયાદો ઉઠી હતી. પોલીસની કાર્યવાહી સામે રાજયના આરોગ્યમંત્રી કુમાર કાનાણી લાલઘુમ બની ગયાં છે અને તેમણે આ કાર્યવાહી રોકવા પોલીસ કમિશ્નરને પત્ર પણ લખ્યો છે.

છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ રહેતા ભાજપના વરાછા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કુમાર કાનાણી સતત ચર્ચામાં આવી રહ્યા છે. હવે તેમણે નાના કારીગરોને પોલીસની હેરાનગતિનો મુદ્દો ઉઠાવ્યો છે. કોરોના સંક્રમણ કાળ દરમિયાન અનેક ધંધા-રોજગાર મૃતપાય સ્થિતિમાં પહોંચી ગયા છે. ત્યારે ટ્રાફિક જવાનો તેમની પાસેથી દંડ વસૂલવામાં કોઈ કસર રાખી રહ્યા નથી.

કુમાર કાનાણીને પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે, સરકારે માસ્ક સિવાય અન્ય કોઈ પણ પ્રકારનો દંડ નાગરિકોને ન કરવા માટેનું સૂચન આપ્યું હોવા છતાં ટ્રાફિક જવાનો તેનું ઉલ્લંઘન કરી રહ્યા છે.વરાછા વિસ્તારમાં એમ્બ્રોઈડરી અને સાડીઓ ઉપર ટીકી લગાડવાનું કામ ખૂબ મોટા પાયા ઉપર ચાલે છે. જેના માટે ઘરે ઘરે સાડીઓ આપવા માટે બાઈક સહિતના નાના વાહનો પર પોટલા લઈને લોકોની અવરજવર વધુ રહેતી હોય છે. ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા તેમને દંડ કરવામાં આવે છે. આ મુદ્દે લોકોમાં રોષ હતો. લોકોના આ રોષને આરોગ્યમંત્રીએ વાચા આપી છે પણ નજીકમાં વિધાનસભાની ચુંટણી આવી રહી છે ત્યારે સોશિયલ મિડીયામાં તેઓ ટ્રોલ પણ થયાં હતાં.

Next Story