-
સુરતમાં પહેલીવાર ગુમ બાળકીને શોધવા ડ્રોનનો ઉપયોગ
-
ભણવા બાબતે ઠપકો આપતા બાળકી ઘરેથી નીકળી હતી
-
શોધખોળમાં નાકામ રહેતા પરિવારે પોલીસની મદદ લીધી
-
પોલીસે 5 ટીમ બનાવી 25થી વધુ CCTV ફૂટેજ તપાસ કર્યા
-
12 કલાકથી ગુમ બાળકીને 45 મિનિટમાં જ શોધી લેવાય
સુરત શહેર કે, જ્યાં સૌથી વધુ બાળકીઓ પર દુષ્કર્મ, અપહરણના કેસ સામે આવતા હોય છે, ત્યાં ભણવા બાબતે ઠપકો આપતાં ગુસ્સે ભરાયેલી 8 વર્ષની માસૂમ ‘હું રમવા જાઉં છું’ તેમ કહીને ઘરેથી નીકળી ગઈ હતી, ત્યારે ગુમ બાળકીને પોલીસે ડ્રોનની મદદથી શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યુ હતું.
ગત તા. 3 એપ્રિલ-2025ના રોજ સુરત શહેરના ઉધના વિસ્તારમાં રહેતાં પરિવારની 8 વર્ષની બાળકીને ભણવા બાબતે માતાએ ઠપકો આપ્યો હતો. બાદમાં ગુસ્સે ભરાયેલી બાળકી ‘હું રમવા જાઉં છું’ કહીને સવારના 10:30 વાગ્યાની આસપાસ ઘેરથી નીકળી ગઈ હતી. લાંબા સમય સુધી બાળકી ઘરે પરત ન ફરતા માતા-પિતાએ તેની શોધખોળ કરી હતી.
રાતના 8 વાગ્યા સુધી શોધખોળ કર્યા બાદ પણ બાળકી ન મળતા માતા-પિતા ભારે ચિંતામાં મુકાયા હતા, અને આખરે ઉઘના પોલીસ મથકે દોડી ગયા હતા. માતા-પિતાની હાલત અને કેસની ગંભીરતાને જોતા પોલીસ પણ તાત્કાલિક સક્રિય થઈ હતી. જેમાં પોલીસે 5 જેટલી અલગ અલગ ટીમ બનાવી ગુમ બાળકીને શોધવા કામે લાગી હતી.
પોલીસે બાળકી ઘરેથી નીકળી ત્યારથી CCTV ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું, ત્યાં જ એક ક્લૂ મળ્યો પણ પોલીસ સામે પણ એક ચેલેન્જ હતી. અંધારુ, ભીડ અને ગભરાયેલી બાળકી. પણ આ બધા વચ્ચે સુરત પોલીસે સ્માર્ટ વર્ક બતાવ્યું, અને 12 કલાકથી ગુમ બાળકીને શોધવા માટે સૌપ્રથમવાર ડ્રોનની મદદ લેવામાં આવી હતી.
જોકે, સુરત પોલીસ માટે પ્રથમ વખત હતું કે, કોઈ ગુમ વ્યક્તિને શોધવા માટે પોલીસે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હોય. લગભગ 45 મિનિટમાં ડ્રોનની મદદથી અંદાજિત રાત્રે 10 વાગ્યે બાળકીને શોધી લેવામાં આવી હતી. તો બીજી તરફ, ગુમ બાળકીનું પરિવાર સાથે સુખદ મિલન કરાવતા બાળકીના પરિવારે પોલીસનો આભાર માન્યો હતો.