/connect-gujarat/media/post_banners/c2c3ba07cbbd40d3c48a2e78916a6c763d2dceeeae7f10980e503e342bedb95c.webp)
ઘૂંટણના ઈલાજના નામે ઈલાજ કરતી ઠગ ટોળકી ઝડપાય
વૃદ્ધના ઘૂંટણમાંથી ગંદકી ચુસકીથી ખેંચવાનો બોગસ ઈલાજ
રૂ. 6 લાખ માગી 1 લાખ પડાવતા ઈલાજ કરનાર ઝડપાયા
સુરત શહેરમાં રાજસ્થાનની બોગસ ડોક્ટરની ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. આ બોગસ ડોકટરની ટોળકી દ્વારા અલથાણની મહિલા ડોક્ટરની માતાના ઘૂંટણના ભાગમાં ગંદકીનો ભરાવો થયો છે. તે ચુસકી મારીને બહાર કાઢવો પડશે એમ કહી ઘુંટણના ભાગે બ્લેડથી કાપો મારી પિત્તળની ભૂંગળી ઉપર મુક્યા બાદ ચુસકી મારી હતી. એક ચુસકીના 6 હજાર રૂપિયા લેખે 6 લાખની માંગણી કરી હતી. ત્યારબાદ બળજબરીપૂર્વક 1 લાખ પડાવ્યા હતા. જોકે, મહિલા ડોક્ટરને શંકા જતા તેણીએ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર આવી 3 બોગસ ડોક્ટરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જોકે, રાજસ્થાની બોગસ ડોક્ટર ટોળકીની ધરપકડ કર્યા બાદ તેમની મોડેસ ઓપરેન્ડી વિશે પોલીસે જણાવ્યું હતું કે, આ ટોળકી મૂળ રાજસ્થાનની છે. અને ખાસ કરીને વૃદ્ધ લોકોને ઈલાજના બહાને ટાર્ગેટ કરે છે. અલથાણ સહિત જુદા જુદા વિસ્તારોમાં જે ગાર્ડન અને વોક-વે એરિયા છે, ત્યાં લોકોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે, જ્યાં ટોળકીનો એક માણસ ઉભો રહે છે, અને વૃદ્ધ વ્યક્તિને પગમાં હાથમાં દુ:ખાવા થતો હોય તો, તેને મટાડી આપવા અંગે વાતમાં ભોળવી દેવામાં આવે છે. ત્યારબાદ આ ટોળકી દુખાવાની જગ્યાએથી ગંદકી કાઢવા માટે ચુસકી કરવું પડશે, તેવું કહી લાખો રૂપિયા પડાવી લેતી હતી. પોલીસને આ પ્રકારની ફરિયાદ મળતા પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને 3 શખ્સોની ધરપકડ કરી છે. આ સાથે જ ઈલાજના નામે ભોગ બનેલા 20થી વધુ લોકો ફરિયાદ આપવા અલથાણ પોલીસ મથકે પણ પહોંચ્યા હતા.