ઉતરાયણ પર્વ નજીક આવતા જ સુરત શહેરમાં પતંગની દોરીથી લોકોના ગળા કપાવવાના બનાવો સામે આવ્યા છે, ત્યારે આ પ્રકારના બનાવો ન બને તે માટે ડિસ્ટ્રીક ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી દ્વારા વાહન ચાલકોને વિનામુલ્યે સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઉતરાણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તો બીજી તરફ ઉતરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી અકસ્માત તેમજ વાહન ચાલકોના ગળા કપાવાના બનાવ સામે આવતા હોય છે. ઉતરાયણ પર્વ પહેલા શહેરમાં આ પ્રકારના બનાવો સામે આવી ચુક્યા છે. અને અમુક બનાવોમાં લોકોએ પોતાના સ્વજનો પણ ગુમાવ્યા છે. આ ઉપરાંત પતંગની દોરીને કારણે અકસ્માત જેવા ગંભીર પ્રકારના બનાવો પણ બનતા હોય છે, ત્યારે શહેરમાં આ પ્રકારના અકસ્માતના બનાવો ન બને, આ ઉપરાંત વાહન ચાલકોના પતંગના દોરાથી રક્ષણ મળે તે માટે સુરત શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નેશનલ રોડ સેફટી સપ્તાહ અંતર્ગત ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલ્ફર સોસાયટી દ્વારા વિનામુલ્યે વાહન ચાલકોને સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આજથી ઉત્તરાયણ પર્વ સુધી શહેરના અલગ અલગ વિસ્તારમાં વાહન ચાલકોને સેફટી બેલ્ટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવશે, ત્યારે આજે અઠવાગેટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય પૂર્ણેશ મોદી તેમજ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.