-
સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપને મળી મોટી સફળતા
-
કુખ્યાત મનુ ડાહ્યાની ગેંગના શખ્સો ઝડપાયા
-
SOG પોલીસ દ્વારા 2 ઇસમોની ધરપકડ કરાય
-
3 પિસ્તોલ, 1 તમંચો, 14 જીવતા કારતૂસ જપ્ત
-
બન્ને શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાય
સુરતની SOG પોલીસે 3 લોડેડ પિસ્તોલ, 1 દેસી તમંચો તથા 14 જીવતા કારતૂસ સાથે 2 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેર તથા જિલ્લામાં દિવસેને દિવસે ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. તો બીજી તરફ, સુરત પોલીસ સતત નાઈટ કોમ્બિન્ગ કરી ઘાતક હથિયારો ઝપ્ત કરી કાર્યવાહી કરી રહી છે.
જે અંતર્ગત સુરતની SOG પોલીસે 3 લોડેડ પિસ્તોલ, 1 દેસી તમંચો તથા 14 જીવતા કારતૂસ સાથે ધીરજ સાહેબરાવ ગોસાઈ અને ભરત ઉર્ફે પટ્ટી છગનભાઇ મેવાડા નામના 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. આ બનાવમાં પોલીસે પહેલા આરોપી ધીરજને કતારગામના વેડરોડ ઉપરથી ઝડપી પાડ્યો હતો. જેમાં તેની પાસેથી 2 પિસ્તોલ તથા એક દેશી તંમચો તેમજ 11 જીવતા કારતૂસ મળી આવ્યા હતા.
જોકે, ધીરજની પૂછપરછમાં આ હથિયાર આરોપી ભરત ઉર્ફે પટ્ટી પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યુ હતું. જેથી પોલીસે આરોપી ભરત પટ્ટીની ચોકબજાર વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. પોલીસને ભરત પટ્ટી પાસેથી પણ 1 લોડેડ પિસ્તોલ તથા 3 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016માં સુર્યા મરાઠીએ કતારગામના માથાભારે ઇસમ મનુ ડાહ્યાનું મર્ડર કર્યું હતું.
મનુ ડાહ્યા અને સુર્યા મરાઠી વચ્ચે ગેંગવોર ચાલતી હતી, અને આ બન્ને આરોપીઓ મનુ ડાહ્યા સાથે ફરતા હોય, જેથી સુર્યા મરાઠીની પણ તેઓની સાથે દુશમનાવટ હતી. જોકે, ત્યારબાદ સુર્યા મરાઠીનું પણ મર્ડર થતા સુર્યા મરાઠીની ગેંગ સાથે તેની દુશ્મની ચાલતી હતી. જેથી તેઓ પર હુમલો કરવા આ હથીયારો મંગાવી પોતાની પાસે રાખવામાં આવ્યા હોવાની પોલીસને હકીકત જણાવી હતી, ત્યારે હાલ તો પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.