સુરતમાં ગતરોજ ભાજપના કાર્યાલય ખાતે વિરોધ કરવા ગયેલા AAPના કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં AAPના મહામંત્રી અને યુવા પ્રમુખને માર મારવામાં આવ્યો હતો. જેને લઈન આજે AAPના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર પ્રહારો કરી AAPના કાર્યકરોને માર મારનાર ભાજપના જ કાર્યકરો હોવાનો પુરાવો આપ્યો હતો.
સુરત ખાતે AAPના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યુ હતું કે, 2 દિવસ પહેલાં પાલિકામાં AAPના કાર્યકરોને પોલીસ અને માર્શલોએ બેફાન માર માર્યો હતો. એટલું જ નહીં મહિલાઓના કપડાં પણ ફાડી નાખ્યા હતા. એક કોર્પોરેટરનું ગળું દબાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આટલી હદે ભાજપની દાદાગીરી જોઈ આમ આદમી પાર્ટીએ વિરાધમાં સુરતના ઉધના ખાતે આવેલા ભાજપના કાર્યલયે રજૂઆત કરવા ગયા હતા.
ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યુ હતું કે, અમે રજૂઆત કરવા ગયા, ત્યારે ભાજપના કાર્યાલય ખાતે 400થી વધુ લુખ્ખાતત્વો હિંસા કરવાની તૈયારી સાથે હાજર હતા. વિરોધ પક્ષનું કામ હોય છે કે, નિતી રીતે સાથે વિરોધ કરવો. ભાજપે પણ કોઈ જમાનામાં તમામ પ્રકારનો વિરોધ કર્યો જ છે. તમારા કાર્યલયે કોઈ વિરોધ કરવા આવે તો હાથાપાઈ કરવી યોગ્ય નથી. સાથે જ આમ આદમી પાર્ટીથી ડરી ભાજપના લોકો ગુંડાગીરી પર ઉતરી આવ્યા હોવાનું પણ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યુ હતું.
ગત રોજ આપ પાર્ટી તરફથી ફરિયાદ નોંધાવવામાં આવી છે, પરંતુ પોલીસે કોઈપણ ભાજપના કાર્યકર્તાઓના નામનો ઉલ્લેખ કર્યો નથી. આ ઘટના બિલકુલ નિંદનીય છે. જે બાબતે લાંબી લડાઈ લડવા AAP પાર્ટીએ તૈયારી બતાવી છે. આ સાથે જ AAPના કાર્યકરોને માર મારનાર તમામ ભાજપના જ કાર્યકરો હોવાનો પુરાવો ગોપાલ ઈટાલિયાએ આપ્યો હતો.