ઉધનામાં પુરવઠા વિભાગના દરોડા
યુ-51 સરકારી અનાજની દુકાન પર દરોડા
રૂ.7.24 લાખની છેતરપિંડી ઝડપાય
સંચાલક અને તોલાટ વિરુદ્ધ પોલીસ ફરિયાદ
સંચાલકના અંગુઠાની નકલી છાપનો કરાતો ઉપયોગ
સંચાલક બે માસથી કેનેડા હોવાનું આવ્યું બહાર
સુરતમાં પુરવઠાના નિયમોનું ઉલ્લંઘન કરીને તોલાટઅને હેલ્પર દ્વારા ચલાવવામાં આવતી યુ-51 નંબરની સરકારી અનાજની દુકાન પર પુરવઠા વિભાગે દરોડા પાડીને રૂપિયા 7 લાખ 24 હજારની છેતરપિંડી પકડી પાડી હતી. પુરવઠા વિભાગે સંચાલક અને તોલાટવિરુદ્ધ પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
સુરતના ઉધનાની યુ-51 નંબરની દુકાનમાં ગેરરીતિ ચાલતી હોવાની ફરિયાદને પગલે પુરવઠા વિભાગની ટીમે દુકાન પર દરોડા પાડ્યા હતા.અને તપાસ કરતા તોલાટસુનિલ શ્યામલાલ સુયલ અને હેલ્પરની મદદથી અનાજનું વિતરણ કરવામાં આવતું હતું. વિતરણ માટે સંચાલક ન હોવા છતાં તેની ફિંગર પ્રિન્ટના આધારે સરકારી સોફ્ટવેરમાં લોગીન કરતો હતો. જ્યારે લાભાર્થીઓને અનાજ આપવા માટે ફિંગર પ્રિન્ટના આધારે ફૂડ રસીદ કાઢતો હતો.
આ રસીદ ગ્રાહકને આપવાને બદલે પોતાની રીતે અનાજ આપતો હતો.પુરવઠા વિભાગની ટીમે તપાસ કરતા 221.500 કિલો ઘઉં, 123 કિલો ચોખા,9.200 કિલો ખાંડ, 11 કિલો ચણા અને 139 કિલો તુવેરની ઘટ મળી આવી હતી.આ રૂપિયા 6,29,250ની કિંમતનું અનાજ વગે કરી દીધું હતું.જ્યારે સરકાર પાસેથી ખોટી રીતે રૂપિયા 60 હજારનું કમિશન લઈ લીધું હતું. બનાવ અંગે પુરવઠા વિભાગના મામલતદાર આશિષ નાયકે પાંડેસરા પોલીસમાં સંચાલક અલ્પેશ અને તાલોટસુનિલ વિરુદ્ધ રૂપિયા 7 લાખ 24 હજાર 535ની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
પુરવઠા વિભાગની રેડ દરમિયાન સંચાલક અંગે પૂછતા તોલાટસુનિલે સંચાલકને લકવા થયો હોવાનું અને બે મહિનાથી ઘરે જ હોવાનું કહ્યું હતું. જોકે, શંકા જતા પુરવઠા વિભાગની ટીમે તેના ઘરે જઈને તપાસ કરતા સંચાલક અલ્પેશ બે મહિનાથી કેનેડા હોવાનું માલુમ પડ્યું હતું.