Connect Gujarat
સુરત 

સુરત : તાપી મૈયાના જન્મદિવસની ઉજવણી કરાય, દુગ્ધાભિષેક-ચુંદડી અર્પણ સહિતના કાર્યક્રમો યોજાયા

જેના દર્શન માત્રથી મનુષ્ય પાપમુક્ત થઈ જાય તેવી તાપી નદીનો આજે જન્મદિવસ છે,

X

જેના દર્શન માત્રથી મનુષ્ય પાપમુક્ત થઈ જાય તેવી તાપી નદીનો આજે જન્મદિવસ છે, ત્યારે સુરત કોઝ-વે ખાતે તાપી માતાના સાલગીરા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દુગ્ધાભિષેક, તાપી સ્નાન અને ચુંદડી અર્પણ કરી સુરતવાસીઓએ ધન્યતા અનુભવી હતી.

કહેવાય છે કે, તાપી પુરાણમાં ઉલ્લેખિત 2 કલ્પ પછી પૃથ્વી પરનો અંધકાર દૂર કરવા બ્રહ્માની સ્મૃતિ બાદ સૂર્યનારાયણે પ્રસરાવેલા તેજનો પ્રકોપ પૃથ્વીના જીવોથી સહન ન થતાં ભગવાનની આંખોમાંથી આંસુ તાપી મૈયા સ્વરૂપે વહેતાં થયા હતા. પુણ્યસલિલા તાપીના તટે પુરાણ કાળથી સુરતની 'સૂરત' અને વિસ્તાર વિસ્તરતા રહ્યા છે. જોકે, સુરતની જાહોજલાલી તાપી મૈયાના કારણે હોવાનું કહી શકાય તેમ છે. તાપીના પૂજન-અર્ચન સાથે તેનું જતન પણ વર્તમાનની આવશ્યક્તા બન્યું છે, ત્યારે સુરતમાંથી પસાર થતી તાપી માતાની સાલગીરા મહોત્સવની આજે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ, સુરત દ્વારા આયોજિત તાપી જન્મદિવસની ઉજવણી પ્રસંગે સુરત મેયર સહિતના આગેવાનો, સંતો-મહંતો તેમજ હરિઓમ ગ્રુપના સભ્યો દ્વારા તાપી માતાને 600 મીટર લાંબી ચુંદડી અર્પણ કરવામાં આવી હતી. તો સાથે જ તાપી માતાની આરતી કરી શ્રધ્ધાળુંઓએ મહા પ્રસાદનો પણ લાભ લીધો હતો, ત્યારે આ અવસરે તમામ દેશવાસીઓનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે અને કોરોના મહામારીમાંથી દેશ અને દુનિયા બહાર આવે તેવી પણ સૌકોઈએ પ્રાર્થના કરી હતી.

Next Story