Connect Gujarat
સુરત 

સુરત : યુવકની હત્યા બાદ લાશના ટુકડા કરનાર હત્યારા દંપત્તિની પોલીસે હૈદરાબાદથી કરી ધરપકડ...

સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં યુવકની હત્યા બાદ લાશના ટુકડા કરીને ફેંકી દેવાની ઘટનામાં આખરે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

X

સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં યુવકની હત્યા બાદ લાશના ટુકડા કરીને ફેંકી દેવાની ઘટનામાં આખરે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વર્ષ 2017માં બનેલી આ ઘટનામાં આરોપી દંપતિને હૈદરાબાદના સુલેમાન નગરમાંથી ઝડપી પાડવા માટે મહિલા PSI અને તેમની ટીમે મુસ્લિમ પહેરવેશ ધારણ કરી આખું ઓપરેશન પાર પાડ્યું છે.

સુરત શહેરના ભેસ્તાન ખાતે આવેલ વિનાયક રેસીડન્સીની સામે ખુલ્લા મેદાનમાંથી જાન્યુઆરી 2017માં મૂળ બિહારનો વતની અને સુરત શહેરના ઉન ભીંડી બજારમાં રહેતો 18 વર્ષીય મો.ફકરૂદ્દીન મો.નઇમ શેખની અત્યંત ક્રૂરતાપૂર્વક કાપીને ફેંકી દેવાયેલું માથું મળ્યું હતું, જ્યારે બે દિવસ બાદ હાથ-પગ વગરનું ધડ ભેસ્તાનના સોનારી ગામ નજીક ખાડી કિનારે ઝાડીમાંથી મળ્યું હતું. આ ઘટનામાં જેતે વખતે પોલીસે 2 તરૂણ આરોપીને ઝડપી પૂછપરછ કરી હતી. પૂછપરછમાં એવી ચોંકાવનારી હકીકત બહાર આવી હતી કે, મૂળ બિહારના મોતિહારીનો વતની આરોપી અકબરઅલી મો.સફાયત શેખ તેના વતન અને તેની આજુબાજુના ગામના ગરીબ બાળકોને રોજગારી અપાવવાના બહાને સુરત લઇ આવતો હતો. ત્યારબાદ સુરતના સચિન જીઆઇડીસી ઉન ભીંડી બજારના નાસીમા નગરમાં સાડી વર્કનું કામ કરાવતો હતો. જેના બદલામાં પગાર આપતો ન હતો, અને માત્ર જમવાનું જ આપતો હતો. જેથી ફકરૂદ્દીન તેની સાથેના 2 મિત્ર ઇસરાફી તથા ઇસરાઇલ સાથે નોકરી છોડીને વતન જઇ રહ્યા હતા. જેની જાણ અકબરઅલીને થતાં તેની 29 વર્ષીય પત્ની અફસાના બેગમ અકબરઅલી શેખ સાથે જઇને રસ્તામાંથી પકડીને પરત લઇ આવ્યો હતો. ત્યારબાદ કામમાં ભૂલ કાઢી અકાલી દરદીનને વારંવાર માર મારતો હતો. જે અંતર્ગત લોખંડના સળિયાથી બેરહમી પૂર્વક માર મારતા ફકરૂદ્દીનનું મોત થયું હતું. જેથી તેના મૃતદેહનો નિકાલ કરવા ચાર મોટા ચપ્પુ લઇ આવી તેની પત્ની અને બે તરૂણ સાથે મળી લાશના ટુક્ડા કરી માથુ અને હાથ-પગ વિનાનું ધડ અલગ-અલગ ઠેકાણે ફેંકી દીધું હતું. જેથી પોલીસે અકબરઅલી અને અફસાનાની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે તેઓના વતન ખાતે તપાસ કરી હતી, પરંતુ પત્તો મળ્યો ન હતો. છેવટે બાતમીના આધારે પોલીસ ટીમે મુસ્લિમનો પહેરવેશ ધારણ કરી 5 દિવસની જહેમત બાદ હૈદરાબાદના સુલેમાન નગરમાંથી આરોપી દંપતીને ઝડપી પાડ્યું હતું.

Next Story